ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પૂર્વે જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. રથયાત્રા શાંતિપૂર્ણ અને નિર્વિઘ્ન રીતે સંપન્ન થાય તે માટે નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું.

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. ખંભાળિયા ગેટ, હવાઈ ચોક, પંચેશ્વર ટાવર, માંડવી ટાવર, દરબારગઢ અને બાલા હનુમાનજી મંદિર વિસ્તાર સહિતના સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.

પોલીસ અધિકારીઓએ સ્થાનિક લોકો સાથે સંવાદ સાધી શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરી હતી. આ પેટ્રોલિંગમાં સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી. એમ. ડોડીયા, દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઈ વી. આર. ગામેતી, ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીના પીએસઆઈ ડી. જી. રામાનુજ, પીએસઆઈ એમ. એન. રાઠોડ સહિત અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

