જિલ્લામાં આવતા વાંસદા ખાતે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન અને અવાજ પ્રદૂષણ ફેલાવતા મોડિફાઇડ બુલેટ સાયલેન્સર સામે એક્શન લેવામાં આવી હતી જેમાં, જાહેર માર્ગો પર ધડાકેદાર અવાજ સાથે વાહન ચલાવી લોકોમાં ભય અને અસુવિધા ઉભી કરતા વાહનચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ અભિયાન દરમિયાન પોલીસે ૬ મોડિફાઇડ સાયલેન્સર ધરાવતી બુલેટ મોટરસાયકલો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે વાંસદા પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન વાહનોની સઘન ચકાસણી કરવામાં આવી હતી. ખાસ કરીને કંપની દ્વારા મંજૂર કરાયેલા સાયલેન્સરની જગ્યાએ ગેરકાયદેસર રીતે મૉડિફાઇડ સાયલેન્સર લગાવી ધડાકેદાર અવાજ કરતા વાહનચાલકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, “મૉડિફાઇડ સાયલેન્સરના કારણે માત્ર અવાજ પ્રદૂષણ જ નહીં પરંતુ જાહેર શાંતિ પણ ભંગ થાય છે. આવા વાહનચાલકો સામે આગામી દિવસોમાં પણ સતત ઝુંબેશ ચલાવવામાં આવશે અને નિયમોનો ભંગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
સાથે જ પોલીસે તમામ બુલેટ માલિકોને અપીલ કરી છે કે તેઓ કંપની દ્વારા મંજૂર કરાયેલા મૂળ સાયલેન્સરનો જ ઉપયોગ કરે અને વાહનમાં કોઈપણ પ્રકારના ગેરકાયદેસર ફેરફાર ન કરે. નિયમોનું પાલન કરીને સુરક્ષિત અને જવાબદાર રીતે વાહન ચલાવવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.”
પોલીસની આ કાર્યવાહીથી મોડિફાઇડ સાયલેન્સર લગાવીને જાહેર માર્ગો પર ફરતા, ટ્રાફિક નિયમન નું પાલન ના કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસનું કહેવું છે કે આવી ઝુંબેશ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે અને અવાજ પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે કોઈપણ પ્રકારની ઢીલ રાખવામાં આવશે નહીં.

