National

ભારતીય વન સેવાના પ્રોબેશનર્સે ભારતના રાષ્ટ્રપતિની મુલાકાત લીધી

જ્યારે સમુદાયો જંગલોના રક્ષણમાં હિતધારકો બને છે, ત્યારે સંરક્ષણના પ્રયાસો વધુ અસરકારક અને લાંબા સમય સુધી ચાલનારા બને છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

ભારતીય વન સેવાના પ્રોબેશનર્સે રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટર ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની મુલાકાત લીધી હતી.

અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે તેઓ માત્ર જંગલોના વહીવટકર્તા નથી. તેઓ ભારતની પ્રાકૃતિક વિરાસતના રક્ષકો છે. તેમની ભૂમિકા આજે વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. વિશ્વ આજે આબોહવા પરિવર્તન અને જૈવવિવિધતાના નુકસાનના પડકારોનો સામનો કરી રહ્યું છે. આ પડકારોનો સામનો કરવા માટે જંગલો કેન્દ્રસ્થાને છે. તેથી, ભારતીય વન સેવાના અધિકારીઓનું કાર્ય માત્ર ભારતના પર્યાવરણીય સંરક્ષણમાં જ નહીં પરંતુ ટકાઉ વિકાસ તરફના વૈશ્વિક પ્રયાસોમાં પણ યોગદાન આપશે. તેમણે યુવા અધિકારીઓને જંગલોના આવરણને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી કારણ કે જંગલો પૃથ્વી પરના જીવનનો પાયો છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે પર્યાવરણીય રક્ષણ અને જંગલોમાં તેમજ તેની આસપાસ રહેતા લોકોની વાજબી આકાંક્ષાઓ વચ્ચે સુમેળ સાધવો જાેઈએ. વિકાસ અને સંરક્ષણને એકબીજાના વિરોધી લક્ષ્યો તરીકે જાેવા જાેઈએ નહીં. તેમણે યુવા અધિકારીઓને એવા ઉકેલો તરફ કામ કરવાની સલાહ આપી કે જ્યાં પ્રકૃતિ અને સમુદાયો બંને સાથે મળીને સમૃદ્ધ થઈ શકે. તેમણે તેમને સંરક્ષણ, પુન:સ્થાપન અને ટકાઉ આજીવિકાની પહેલોમાં લોકોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આદિવાસી સમુદાયો, વનવાસીઓ, મહિલાઓ, ખેડૂતો અને સ્થાનિક સંસ્થાઓના વિચારો અને ચિંતાઓને સમજવાથી તેમને મૂલ્યવાન સમજણ મળશે. જ્યારે સમુદાયો જંગલોના રક્ષણમાં હિતધારકો બને છે, ત્યારે સંરક્ષણના પ્રયાસો વધુ અસરકારક અને લાંબા સમય સુધી ચાલનારા બને છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે જાહેર સેવા એ લોકોના જીવનમાં સુધારો લાવવા અને દેશની પ્રગતિમાં યોગદાન આપવા વિશે છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના રાષ્ટ્રીય લક્ષ્ય માટે પર્યાવરણીય સુરક્ષા અભિન્ન અંગ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતીય વન સેવાના અધિકારીઓ તરીકે, યુવા અધિકારીઓ ભારતની પ્રગતિ હરિયાળી, સર્વસમાવેશક અને ટકાઉ રહે તે સુનિશ્ચિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

ભારતીય વન સેવાના બે બેચના પ્રોબેશનર્સ હાલમાં ઇન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડેમી, દેહરાદૂન ખાતે તેમની વ્યાવસાયિક તાલીમ લઈ રહ્યા છે. વર્ષ ૨૦૨૪ની બેચમાં ૧૧૧ તાલીમાર્થી અધિકારીઓ સામેલ છે, જ્યારે વર્ષ ૨૦૨૫ની બેચમાં ૧૩૧ તાલીમાર્થી અધિકારીઓ સામેલ છે, જેમાં પ્રત્યેક બેચમાં ભૂતાનના બે તાલીમાર્થી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.