જૂનાગઢ ગિરનાર પર્વત પર યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા આજથી(18 જુલાઈ) જ અવરજવર માટે ‘IN/OUT’ ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા દાવો કરાયો હતો કે યાત્રાળુઓ સ્થળ પર પણ QR કોડ સ્કેન કરી સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકશે. પરંતુ સમગ્ર મામલે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે વાસ્તવિકતા કંઈક જુદી જ સામે આવી હતી. ગિરનાર ચડવાના શરૂઆતના પગથિયા પર કોઈપણ પ્રકારના સ્કેનર, ઇન-આઉટ વ્યવસ્થા કે ઓનલાઇન રજીસ્ટ્રેશનની કોઈ કામગીરી જોવા મળી ન હતી. વહીવટી તંત્રની આ જાહેરાત માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેમ પ્રથમ દિવસે જ રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો ધબડકો વળ્યો હતો અને તંત્રની ઉદાસીનતા સાફ નજરે પડતી હતી.
IN/OUT QR કોડ હજુ સુધી લાગ્યા નથી અહીં આવેલા પ્રવાસીઓ પોતે ડિજિટલ રજીસ્ટ્રેશન કરવા માટે ખૂબ જ ઉત્સુક દેખાતા હતા, પરંતુ ગ્રાઉન્ડ પર કોઈ વ્યવસ્થા જ ઉપલબ્ધ ન હોવાના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રશાસન દ્વારા જે પ્રકારની જાહેરાત કરાઈ હતી તેનાથી વિપરીત સ્થળ પર ઇન અને આઉટ માટેના QR કોડ હજુ સુધી લગાવવામાં જ આવ્યા નથી, જેના લીધે પ્રક્રિયા વધુ ગૂંચવણભરી બની ગઈ છે.
વર્તમાન સમયમાં જ જો આવી સ્થિતિ હોય, તો આગામી વેકેશન અને દિવાળીના તહેવારો દરમિયાન જ્યારે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે, ત્યારે રજીસ્ટ્રેશનની આ અસ્પષ્ટ પ્રક્રિયાના કારણે પર્વત પર અરાજકતા અને મોટી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે.
એન્ટ્રી પોઇન્ટ પર પ્રવાસીઓની નોંધણી માટેની કોઈ વ્યવસ્થા નથી: પ્રણિશ આ રિયાલિટી ચેક દરમિયાન પુણેથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પ્રણિશ કદમે જણાવ્યું હતું કે તેઓ પર્વત પર ચડવા આવ્યા ત્યારે એન્ટ્રી પોઇન્ટ પર પ્રવાસીઓની નોંધણી માટેની કોઈ વ્યવસ્થા કાર્યરત ન હતી.
તેમના મતે, વન વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા ગેટ પાસ અથવા ફરજિયાત રજીસ્ટ્રેશનની સિસ્ટમ લાગુ કરવી જ જોઈએ, જેથી ચોક્કસ આંકડો મળી શકે કે કેટલા પ્રવાસીઓ ઉપર ગયા, કેટલા પરત ફર્યા અને કેટલો સમય રોકાયા. હાલના તબક્કે સુરક્ષાના નામે માત્ર બેગ ચેક કરીને લોકોને પર્વત પર જવા દેવામાં આવે છે, પરંતુ કોઈ સત્તાવાર રજિસ્ટર નથી. વધુમાં તેઓ જ્યારે પર્વત પર ગયા ત્યારે રસ્તામાં વન વિભાગના કોઈ કર્મચારી કે પોલીસ પણ તહેનાત જોવા મળ્યા ન હતા, જે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ગંભીર બાબત છે.

