ગુજરાતમાં હાલના સમયમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનના વધતા ઉપયોગની સાથે સાથે લોકોની મહેનતની કમાણી લૂંટી લેતા સાયબર ઠગો પણ બેફામ બન્યા છે. જૂનાગઢ જિલ્લામાં પણ આવા અસંખ્ય કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે, જેમાં ભોળા નાગરિકોને અલગ-અલગ લાલચ આપીને તેમના બેંક ખાતામાંથી નાણાં સેરવી લેવામાં આવે છે.
આ પ્રકારના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ પણ સજ્જ બની છે. આ જ દિશામાં કડક કાર્યવાહી કરતા વિસાવદર પોલીસની ટીમે છેલ્લા સાત મહિનાથી પોલીસને ચકમો આપીને નાસતા ફરતા મુખ્ય આરોપી રાહુલ વૈષ્ણવને જૂનાગઢ શહેરમાંથી દબોચી લેવામાં મોટી સફળતા મેળવી છે.

ભાડે રાખેલા બેંક ખાતાની તપાસમાં ખુલ્યું કૌભાંડ વિસાવદર પોલીસે સાયબર છેતરપિંડીના એક કેસને હાથમાં લઈને જ્યારે શંકાસ્પદ બેંક ખાતાઓની કડીઓ મેળવવાનું શરૂ કર્યું, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે જાંબુડા ગામનો કથીરીયા ભીખુભાઇ વલ્લભભાઇ નામનો વ્યક્તિ પોતાની આર્થિક લાલચમાં આવીને ગેરકાયદે કામ કરતા લોકોને પોતાના બેંક ખાતા કમિશનથી ભાડે આપતો હતો.
આ ભાડે આપેલા ખાતાઓનો ઉપયોગ લોકો સાથે છેતરપિંડી કરીને લૂંટેલા રૂપિયા જમા કરાવવા માટે થતો હતો. પોલીસે જ્યારે ભીખુભાઈની અટકાયત કરીને આકરી પૂછપરછ શરૂ કરી, ત્યારે આ આખા કૌભાંડ પાછળના અસલી ખેલાડીનો પર્દાફાશ થયો હતો.

