અમદાવાદ શહેરમાં સગીર વયના વાહનચાલકો દ્વારા થતા જીવલેણ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. વાડજ વિસ્તારમાં આવેલી ભાવસાર હોસ્ટેલ પાસે રોડ ક્રોસ કરી રહેલા એક 72 વર્ષીય વૃદ્ધને પૂરઝડપે આવી રહેલા સગીર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરચાલકે જોરદાર ટક્કર મારી અડફેટે લીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટના બાદ સગીરના પરિવારે મામલો દબાવવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ અંતે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે સગીર સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
દવાનો ધંધો કરતા વૃદ્ધ રોડ ક્રોસ કરતી વખતે બન્યા શિકાર અકસ્માતની આ કરુણ ઘટનાની વિગત એવી છે કે, વાડજમાં આવેલા સાગર એપાર્ટમેન્ટમાં રહેતા 72 વર્ષીય દિનેશભાઇ શાહ દવાનો વ્યવસાય કરતા હતા.
ગત 11 જુલાઇના રોજ તેઓ પોતાના ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ ભાવસાર હોસ્ટેલ પાસે આવેલા બીઆરટીએસ (BRTS) બસસ્ટેન્ડ નજીકથી રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે જ જૂના વાડજ વિસ્તારમાં રહેતો એક 17 વર્ષીય સગીર પોતાનું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને ત્યાંથી નીકળ્યો હતો. સગીરે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા દિનેશભાઇને જોરદાર ટક્કર મારી રોડ પર ફગાવી દીધા હતા.
પરિવારે પોલીસ ફરિયાદ ન કરવા આજીજી કરી અકસ્માતમાં દિનેશભાઇ શાહને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ ટૂંકી સારવાર બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
બીજી તરફ, અકસ્માત સર્જનાર ચાલક માત્ર 17 વર્ષનો સગીર હોવાનું સામે આવતા જ તેના પરિવારમાં દોડધામ મચી ગઈ હતી. કાયદાના સકંજાથી બચવા માટે સગીર અને તેના પરિવારના સભ્યોએ મૃતકના પરિવાર સામે પોલીસ કાર્યવાહી ન કરવા માટે સતત આજીજી કરી હતી અને મામલો દબાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું.

