Gujarat

માણાવદર તાલુકા પુસ્તકાલયની દાતાઓએ મુલાકાત લીધી

માણાવદરના નવનિર્મિત સરકારી તાલુકા પુસ્તકાલયની તાજેતરમાં સામાજિક અગ્રણીઓ અને દાતાઓએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ‘અનસૂયા ગૌધામ ચેરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા વિદ્યાર્થીઓ માટે ‘ગૌ મહિમા, ગૌ વંદના’ પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું.

આ પુસ્તકાલય માણાવદરના સિનેમા ચોક ખાતે આવેલા વિશાલ કોમ્પ્લેક્સમાં કાર્યરત છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક અને નિયામક ડૉ. પંકજ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ચાલતા આ પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓની સુવિધા અને શાંત વાતાવરણની મુલાકાતીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.

ટ્રસ્ટના ટ્રસ્ટી હરેશભાઈ શેઠે કવિ ચંદ્રકાંત પટેલ (‘સરલ’) દ્વારા ગાયોના મહત્વ પર લખાયેલું આ પુસ્તક લાયબ્રેરીના ગ્રંથપાલ જય નિમાવતને અર્પણ કર્યું હતું. ગ્રંથપાલે દાતાનો આ ઉમદા કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

હરેશભાઈ શેઠે જણાવ્યું હતું કે, પુસ્તકાલયનું વાતાવરણ શાંત અને અભ્યાસ માટે પ્રેરણાદાયક છે. મોટી સંખ્યામાં યુવાનો જી.પી.એસ.સી. જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તે આનંદની વાત છે. તેમણે ઉમેર્યું કે, આ પુસ્તક યુવા પેઢીને ગાયોના મહત્વ સમજાવવામાં મદદરૂપ થશે. અનસૂયા ગૌધામ ટ્રસ્ટ ભવિષ્યમાં પણ પુસ્તકાલયને સહયોગ આપવા તત્પર રહેશે.

આ આધુનિક તાલુકા પુસ્તકાલયમાં હાલમાં વિદ્યાર્થીઓ અને વાચકો માટે ૩,૦૦૦ જેટલા પુસ્તકો, ૧૦ નિયમિત સામાયિકો અને ૫ દૈનિક અખબારો ઉપલબ્ધ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા મધ્યમ અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે આ પુસ્તકાલય આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે.