Gujarat

181 અભયમના કાઉન્સેલિંગથી નશાખોર પતિમાં આવ્યો બદલાવ

ભરૂચ જિલ્લાના એક ગામમાં, નશાની હાલતમાં પત્ની સાથે મારઝૂડ અને માનસિક ત્રાસ ગુજારતા પતિને 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે કાઉન્સેલિંગ દ્વારા સમજાવી દંપતી વચ્ચે સમાધાન કરાવ્યું છે. મહિલાએ 181 અભયમ હેલ્પલાઇન પર ફોન કરીને ફરિયાદ કરી હતી કે પતિ શંકાના આધારે મારઝૂડ, ધમકીઓ અને આર્થિક ત્રાસ આપતો હતો. કોલ મળતા જ અભયમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાની સુરક્ષા સુનિશ્ચિત કરી મામલાની વિગતો મેળવી હતી.

તપાસમાં સામે આવ્યું કે પતિ નિયમિત રોજગાર કરતો ન હતો અને નશાની લતનો શિકાર હતો. પત્ની ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી, તેમ છતાં પતિ વારંવાર ઝઘડા કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. તાજેતરમાં પણ પતિએ નશાની હાલતમાં પત્ની સાથે મારઝૂડ કરી હતી અને ઘરમાં જમવાનું ન બને તે માટે ચૂલામાં પાણી રેડી દીધું હતું.

181 અભયમની ટીમે પતિ-પત્નીનું અલગ-અલગ અને સંયુક્ત કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમે ઘરેલુ હિંસા સંબંધિત કાયદાકીય જોગવાઈઓ વિશે સમજણ આપી હતી અને ભવિષ્યમાં આવી ઘટના બનશે તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે તેવી ચેતવણી પણ આપી હતી.