પાલનપુર અને સિદ્ધપુર સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગુજરાત ATS દ્વારા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરી છેલ્લા 15 દિવસમાં 13 આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ માટે કામ કરતા આ આતંકીઓ ઝડપાતા રાજ્યભરમાં સઘન પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
સાથે જ ભાડે આપેલા મકાન, દુકાન તેમજ ઘરઘાટીની ફરજિયાત પોલીસ નોંધણી ન કરાવનાર મકાન માલિકો સામે પણ કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
તમામ પોલીસ કમિશનરો, SPને સતર્ક રહેવા સૂચના ગુજરાત ATS દ્વારા રથયાત્રા દરમિયાન ચલાવવામાં આવેલી કાર્યવાહી દરમિયાન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 13 આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીઓ રાજ્યના વિવિધ શહેરોમાં રહેતા હોવાની તેમજ દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે અન્ય લોકોને પ્રેરિત કરવાનો પ્રયાસ કરતા હોવાની વિગતો સામે આવી રહી છે.
સમગ્ર મામલે ATS દ્વારા વધુ તપાસ ચાલુ છે. આ ઘટનાને ગંભીરતાથી લઈ રાજ્યના ગૃહ વિભાગે તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને સતર્ક રહેવા સૂચના આપી છે. પરિણામે શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
ભાડુઆત, ઘરઘાટીની પોલીસમાં નોંધણી કરાવવી ફરજિયાત બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, ધાર્મિક સ્થળો, ભીડભાડવાળા વિસ્તારો અને અન્ય સંવેદનશીલ સ્થળોએ પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
ખાસ કરીને મકાન માલિકોને અપીલ કરી છે કે પોલીસે ભાડુઆત અથવા ઘરઘાટીને રાખતા પહેલા તેમની ઓળખની ચકાસણી કરાવી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જરૂરી નોંધણી કરાવવી ફરજિયાત છે. ગૃહ વિભાગના પરિપત્ર અને પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ આ પ્રક્રિયાનું પાલન ન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

