Gujarat

ગોધરા રેલવે અંડરપાસ 10 દિવસથી પાણીમાં ગરકાવ

ગોધરા શહેરમાં નવનિર્મિત રેલવે અંડરપાસ વરસાદ બંધ થયાના દસ દિવસ પછી પણ પાણીથી ભરેલો છે. મુંબઈ-દિલ્હી મુખ્ય રેલ માર્ગ પર સ્થિત આ અંડરપાસમાં પાણી ભરાવાને કારણે માટી ધસી પડવાની કે અન્ય કોઈ મોટી દુર્ઘટના સર્જાવાનો ભય સેવાઈ રહ્યો છે. રેલવે વિભાગે આ મામલે ગંભીરતા દાખવવી અત્યંત જરૂરી છે.

ગોધરા શહેરના મધ્યમાંથી પસાર થતા ભાગોળ વિસ્તારમાં આવેલા LC 4 રેલવે અંડરપાસનું કામ છેલ્લા ચાર વર્ષથી અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોની સુવિધા માટે શરૂ કરાયેલો આ પ્રોજેક્ટ હવે લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. ચાર વર્ષ વીતી જવા છતાં આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.

આ અંડરપાસના નિર્માણ પાછળ અંદાજે ૨૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જનતાના ટેક્સના કરોડો રૂપિયા આ પ્રોજેક્ટમાં વપરાઈ રહ્યા હોવા છતાં, તેની કામગીરી પૂર્ણ થવા અને જનતાને તેનો લાભ મળવા અંગે કોઈ સચોટ માહિતી ઉપલબ્ધ નથી. તંત્રની બેદરકારી અને આયોજનના અભાવને કારણે કરોડો રૂપિયાનો ખર્ચ નિરર્થક સાબિત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.