Gujarat

ભારતમાલા એક્સપ્રેસ વે પર બાઈક રેસિંગ કરનારા સામે કડક કાર્યવાહી

ગોધરા નજીક દિલ્હી-મુંબઈ ભારતમાલા એક્સપ્રેસ વે પર જોખમી બાઈક રેસિંગ કરનારા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે 16 બાઈક ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી, તેમાંથી બે આરોપીઓને બાઈક સાથે ઝડપી પાડ્યા છે. આ ઘટના 15 જુલાઈના રોજ રણીયાતા ગામ નજીક ભારતમાલા એક્સપ્રેસ હાઈવેના ઓવરબ્રિજ પર બની હતી. કેટલાક યુવાનો GJ-17-CR-8711 નંબરની બાઈક સહિત આશરે 15 અન્ય બાઈક પર હાઈ સ્પીડે સ્ટંટ અને રેસ લગાવી રહ્યા હતા.

આ બાઈક ચાલકોએ પોતાની સાથે અન્ય વાહનચાલકોની જિંદગી પણ જોખમમાં મૂકી હતી. તેમની બેફિકરાઈભરી રેસિંગથી જાહેર હાઈવે પરથી પસાર થતા નિર્દોષ નાગરિકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા. રેસ પૂરી થયા બાદ તમામ બાઈક ચાલકો પોતાના વાહનો સાથે ત્યાંથી નાસી છૂટ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગોધરા તાલુકા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસે હાઈવે પર લાગેલા સીસીટીવી ફૂટેજ અને બાઈકના નંબરના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ફરાર થયેલા આરોપીઓ પૈકી તુષાર આરસ બારીયા (ગામ મોજરી) અને વિશાલકુમાર મહેશ બારીયા (ગામ તરવડી) ને તેમની બાઈક સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગુનામાં સામેલ અન્ય 15 જેટલા અજાણ્યા ઇસમોને ઝડપી પાડવા માટે ગોધરા તાલુકા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.