Gujarat

પ્રતિબંધિત નશાકારક કફ સિરપની 94 બોટલ સાથે મહિલા ઝડપાઈ

વડોદરાના આજવા રોડ વિસ્તારમાં પોલીસે ગત મોડી(18 જુલાઈ) રાત્રે એક રહેણાક મકાનમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો પ્રતિબંધિત અને નશાકારક કફ સિરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

આ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલી એક મહિલાને પોલીસે ઘટનાસ્થળેથી જ મુદ્દામાલ સાથે કસ્ટડીમાં લીધી છે, જ્યારે આ કાળા કારોબારમાં સંડોવાયેલો અન્ય એક મુખ્ય આરોપી પોલીસ રેડ દરમિયાન ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રતિબંધિત નશાકારક કફ સિરપની 94 બોટલ જપ્ત આ દરોડાની વિગતવાર માહિતી મુજબ, ગત રાત્રે પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન મકાનમાંથી ‘Codeine Phosphate Triprolidine Hydrochloride Syrup REXLEY T’ લખેલી 100 મિલીની ક્ષમતા ધરાવતી સીલબંધ પ્લાસ્ટિકની કુલ 94 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹16,620થાય છે.

આ ઉપરાંત પોલીસને ત્યાંથી 5,000ની કિંમતનો એક ઇન્ફિનિક્સ કંપનીનો મોબાઈલ ફોન, સિરપની બોટલો રાખવા માટે વપરાતી રેગઝીનની થેલી તેમજ આધારકાર્ડ, વેરા પાવતી અને લાઈટ બિલની નકલો મળી આવી હતી. પોલીસે કુલ 22,020નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગ્રાહકોને છૂટક ભાવે વેચવાના આશયથી ઘરમાં સંતાડી રાખ્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપીઓએ માત્ર પોતાના આર્થિક ફાયદા સારૂ કોઈપણ જાતના કાયદેસરના પાસ, પરમિટ કે લાયસન્સ વગર આજવા રોડ પર આવેલી એક મેડિકલ સ્ટોરમાંથી આ પ્રતિબંધિત અને નશાકારક કફ સિરપનો જથ્થો ખરીદ્યો હતો.

આ જથ્થાને તેઓએ પોતાના રહેણાંક મકાનમાં લાવી ગ્રાહકોને છૂટક ભાવે વેચવાના આશયથી સંતાડી રાખ્યો હતો. આરોપીઓ દ્વારા વગર પરવાનગીએ નશાકારક દવાઓની હેરાફેરી અને ખરીદ-વેચાણનું ગેરકાયદે નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું.