Gujarat

સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં અધ્યાપકોની 35, વર્ગ 3ની 70% જગ્યા ખાલી

રાજ્યની સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં વિદ્યાર્થીઓની બેઠકો વધારી દેવામાં આવી, પરંતુ તે પ્રમાણે શિક્ષણ સ્ટાફની ભરતી ન થતા હવે ગુણવત્તાયુક્ત શિક્ષણ પર સવાલો ઊભા થયા છે. ગુજરાત રાજ્ય સરકારી ઇજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને તાત્કાલિક શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી કરવાની માગ કરી છે.

નવી બેઠકો અને નવા કોર્સ શરૂ થયા બાદ પણ ચાર વર્ષથી જરૂરી સ્ટાફ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો નથી, જેના કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને પર ભાર વધ્યો છે.

સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં 1,464 નવી બેઠકો ઉમેરાઈ રાજ્યની સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશની બેઠકોમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના રી-સ્ટ્રક્ચરિંગના નિર્ણય બાદ વિવિધ સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં કુલ 1,464 નવી બેઠકો ઉમેરવામાં આવી છે. આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓને સરકારી કોલેજોમાં અભ્યાસની તક મળી રહી છે.

સ્ટાફની ભરતી ન થતા મંડળે કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો જોકે, આ વધારાની બેઠકોને અનુરૂપ શિક્ષણ વ્યવસ્થા મજબૂત કરવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ ગુજરાત રાજ્ય સરકારી ઇજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ દ્વારા કરવામાં આવ્યો છે.

એસોસિએશને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે નવી બેઠકો, નવા કોર્સ અને વધેલા એકેડમિક લોડને ધ્યાનમાં રાખીને આજદિન સુધી પૂરતો શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક સ્ટાફ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો નથી.