વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી અને અગાઉથી જ સરકારી સંપાદન હેઠળ ગયેલી તથા બિનખેતી (N.A.) થઈ શકે તેમ ન હોવાની જાણ હોવા છતાં, જમીનનું વેચાણ બાનાખત કરી આપીને ₹ 3.84 કરોડથી વધુની માતબર રકમની છેતરપિંડી આચરવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આ મામલે કપુરાઈ ગામના બે ભાઈઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.
જમીન વેચાણની વાટાઘાટોથી વિશ્વાસ જીત્યો આ મામલે ગોપાલ રબારીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તરસાલી ગામમાં આવેલા રેવન્યુ સર્વે નંબર 611/1, ટી.પી. સ્કીમ નંબર 39 અને ફાઈનલ પ્લોટ નંબર 152 વાળી 1302.00 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી ખેતીની જમીન સંપાદિત થયેલી હતી અને તે કાયદાકીય રીતે (NA) બિનખેતી થઈ શકે તેમ ન હોતી. આ હકીકતથી વાકેફ હોવા છતાં આરોપી રાજેન્દ્ર રબારી અને હિતેશ રબારીએ (બંને રહે. કપુરાઈ ગામ, તા.જિ. વડોદરા) વર્ષ 2017થી ફરિયાદી તથા તેમના ભાગીદારો સાથે આ જમીન વેચાણ અંગેની વાટાઘાટો કરી વિશ્વાસ સંપાદિત કર્યો હતો.
કરોડો રૂપિયા લઈ જમીન બિનખેતી ન કરાવી આપી આરોપીઓએ એકબીજાની મદદગારી કરીને સબ-રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલા રજિસ્ટર્ડ બાનાખત તથા નોટરાઈઝ બાનાખત કરી આપ્યા હતા. કરોડો રૂપિયા મેળવી લીધા બાદ પણ આરોપીઓએ આજદિન સુધી આ જમીન બિનખેતી (N.A.) કરાવી આપી નહોતી, વેચાણ દસ્તાવેજ કરી આપ્યો ન હોતો કે, અવેજના નાણા પણ પરત આપ્યા નહોતા.

