Gujarat

નેધરલેન્ડ, નોર્વે અને સ્પેનના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને ઠગાઈ

આણંદના ટ્રાવેલ્સ સંચાલક સહિત બે અરજદારો પાસેથી વડોદરાની ઇમિગ્રેશન કન્સલ્ટન્સી સંચાલક મહિલાએ નેધરલેન્ડ, નોર્વે અને સ્પેનના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને કુલ 2.45 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

આણંદના શિવાયટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક સ્નેહલભાઈ વ્યાસે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, વિદેશમાં નોકરી માટે વર્ક પરમિટ મેળવવાની ઇચ્છા હોવાથી તેણે સોશિયલ મીડિયા પર આવેલી એક ઇમિગ્રેશન કન્સલ્ટન્સીની જાહેરાતના આધારે કાજલ જોષીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ વડોદરાના ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલી ઓફિસમાં બોલાવી નેધરલેન્ડના વર્ક પરમિટ માટે કુલ 4 લાખ રૂપિયા ખર્ચ થશે તેમ કહી શરૂઆતમાં 50 હજાર રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. બંને પક્ષો વચ્ચે નોટરી કરાર પણ કરવામાં આવ્યો હતો.

મહિલાએ ત્રણ મહિનામાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. જોકે બાદમાં નેધરલેન્ડના બદલે નોર્વે માટે વર્ક પરમિટ કરવાની સલાહ આપી વધુ 75 હજાર રૂપિયા વસૂલ્યા હતા. ત્યારબાદ નોર્વેના વિઝા પણ શક્ય ન હોવાનું જણાવી સ્પેનના વર્ક પરમિટની આપવાની વાત કરી હતી અને તે અંગે પણ નોટરી લખાણ કરવામાં કર્યું હતું. જોકે સ્પેનના વર્ક પરમિટ અંગે પણ કોઈ કાર્યવાહી કરી નહોતી. સ્નેહલભાઈને શંકા જતાં તેઓએ પોતાના 1.25 લાખ રૂપિયા પરત માંગ્યા હતા, પરંતુ આરોપીએ નાણાં પરત આપવાના બદલે વાયદાઓ કર્યા હતા.

આ ઉપરાંત સાવલીના અન્ય એક વ્યક્તિ પાસેથી પણ નેધરલેન્ડ અને નોર્વેના વર્ક પરમિટ અપાવવાના બહાને એપ્રિલ-2024થી કુલ 1.20 લાખ રૂપિયા પડાવ્યા હતા. જોકે તેમના વર્ક પરમિટની પ્રક્રિયા પણ પૂર્ણ કરી નહોતી અને નાણાં પણ પરત આપ્યા નથી. આ રીતે બંને અરજદારો પાસેથી કુલ 2.45 લાખ રૂપિયા લીધા બાદ પણ વર્ક પરમિટ ન કરાવીને છેતરપિંડી આચરી હતી. સમગ્ર મામલે વડોદરા સ્થિત રિધાન ઇમિગ્રેશનની સંચાલિકા કાજલ જોષી (ઓફિસ, એ 3, મીરાજ એપાર્ટમેન્ટ, નટુભાઈ સર્કલ પાસે, ઈલોરાપાર્ક, વડોદરા) સામે ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.