રાજકોટમાં પ્રજાના આરોગ્ય સાથે થતા ચેડાં અટકાવવા અને ગુણવત્તાયુક્ત ખાદ્યસામગ્રી મળી રહે તે હેતુથી મેયર ડો. નેહલ શુકલ દ્વારા અખાદ્ય પદાર્થોના ચેકીંગ માટેનાં આદેશો અપાયા હતા. મેયરનાં આદેશ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. અને છેલ્લા 1 મહિનામાં કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા ખાણીપીણીના ધંધાર્થીઓ સામે વ્યાપક અને સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ સમયગાળા દરમિયાન મનપાની ટીમોએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં 1095 નાની-મોટી ખાણીપીણીની પેઢીઓ તથા એકમો પર કડક તપાસ હાથ ધરી હતી. આ ઝુંબેશ દરમિયાન અત્યાર સુધીમાં 96 જગ્યાએથી નમૂના લેવાયા છે. તેમજ 26 એકમો સીલ કરી રૂ. 7,27,200નો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.
આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ ગત 15 જૂનથી શરૂ કરાયેલી આ ખાસ ઝુંબેશ અંતર્ગત છેલ્લા એક મહિના દરમિયાન કુલ 1095 સ્થળો પર રૂબરૂ જઈને ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સંગ્રહ કરવાની પદ્ધતિ અને સ્વચ્છતાના ધોરણોની ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગંભીર બેદરકારી દાખવનારા અથવા સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન ન કરનારા 315 ધંધાર્થીઓને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે.
એટલું જ નહીં, માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક અને વાસી ગણાતી એવી 5859 કિલો અલગ અલગ પ્રકારની અખાદ્ય સામગ્રીનો જથ્થો સ્થળ પર જ જપ્ત કરીને તેનો નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અસ્વચ્છતા અને નિયમભંગ બદલ ફૂડ શાખાએ એક જ મહિનામાં કુલ રૂ. 7,27,200ની દંડાત્મક પેનલ્ટી વસૂલ કરી સરકારી તિજોરીમાં જમા કરાવી છે.

