Gujarat

મોરબી-બોટાદના મત્સ્યઉદ્યોગ અધિકારી રાજકોટમાં 50 હજારની લાંચ લેતા ઝડપાયા

રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોક નજીક ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ એક મોટી સફળ ટ્રેપ ગોઠવીને બોટાદ મત્સ્ય ઉદ્યોગના ઇન્ચાર્જ અધિક્ષકને રૂ. ૫૦,૦૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. સરકારી કામકાજ માટે ટેન્ડરના વર્ક ઓર્ડર આપવા અને રિજેક્ટ થયેલા ટેન્ડરના ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) પરત કરવાના બહાને ક્લાસ-૨ અધિકારી દ્વારા આ રકમની માંગણી કરવામાં આવી હતી.

1 લાખની માગણી સામે 50 હજારમાં સેટલમેન્ટ પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીએ ચાલુ વર્ષ દરમિયાન મત્સ્યઉદ્યોગ ખાતામાં કુલ ૭ ટેન્ડર ભર્યા હતા. જેમાંથી 3 ટેન્ડર મંજૂર (પાસ) થયા હતા અને 4 ટેન્ડર રિજેક્ટ થયા હતા.

મંજૂર થયેલા ટેન્ડરના વર્ક ઓર્ડર આપવા તેમજ રિજેક્ટ થયેલા ટેન્ડરના ડિમાન્ડ ડ્રાફ્ટ પરત આપવાની અવેજીમાં મત્સ્યઉદ્યોગ વિભાગના અધિક્ષક ખોડાભાઈ વલ્લભભાઈ રામાણી દ્વારા શરૂઆતમાં 1 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. જોકે, ફરિયાદી સાથે રકઝકના અંતે 50,000 આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત ભાવનગર એસીબીનો સંપર્ક કરીને સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટમાં SBI બેંક પાસે ગોઠવ્યું છટકું ફરિયાદીની કાયદેસરની ફરિયાદના આધારે એસીબીની ટીમે બુધવારે સાંજે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ચોક નજીક આવેલી એસબીઆઈ (SBI) બેંક પાસે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આરોપી ખોડા રામાણી ત્યાં આવી પહોંચ્યા હતા અને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી 50,000ની લાંચની રકમ સ્વીકારી હતી. તેમણે પૈસા હાથમાં લીધા કે તરત જ પૂર્વ આયોજિત ગોઠવણ મુજબ એસીબીની ટીમે તેમને રંગે હાથ ઝડપી લીધા હતા. એસીબીએ લાંચની રકમ કબ્જે કરી આરોપી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.