Gujarat

કિશોરનું સગીરા પર બે દિવસમાં ત્રણવાર દુષ્કર્મ

સુરતના સચિન વિસ્તારમાંથી સગીરાની સુરક્ષા પર સવાલ ઉઠાવતી શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. મધ્યપ્રદેશથી ભાગીને સુરતમાં છેલ્લા દોઢ મહિનાથી આશ્રય લઈ રહેતી 14 વર્ષીય કિશોરી પ્રેમજાળમાં ફસાઈ જતાં તેની સાથે કિશોરે દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો બન્યો છે. 16 વર્ષના કિશોરે માસૂમ કિશોરીને પોતાની ચુંગાલમાં ફસાવી બે દિવસમાં ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. પોતાના આંગણેથી ગુમ દીકરી પર આ અત્યાચાર અંગે પિતાની ફરિયાદના આધારે સચિન પોલીસે BNS અને પોક્સો હેઠળ ગુનો નોંધી ફરાર કિશોરની શોધખોળ હાથ ધરી છે.

MPથી ભાગીને આવી સગીરા સચિનમાં રહેતી હતી મળતી માહિતી પ્રમાણે, મૂળ મધ્યપ્રદેશનો પરિવાર જ્યાં રહેતો હતો, ત્યાંથી તેમની 14 વર્ષ અને 7 મહિનાની સગીરા અન્ય એક વ્યક્તિના સંપર્કમાં આવી હતી. જે બાદ તે પોતાના ઘરેથી નીકળી ગઈ હતી. ઘરેથી ભાગ્યા બાદ સગીરા છેલ્લા દોઢથી બે મહિનાથી સુરતના સચિન વિસ્તારમાં આવીને રહેતી હતી.

આ દરમિયાન ભોગ બનનાર સગીરાનો 16 વર્ષના એક કિશોર સાથે પરિચય થયો હતો. કિશોરે સગીરાની મજબૂરી અને અજાણ્યા શહેરનો લાભ ઉઠાવી તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. સંપર્ક ગાઢ બન્યા બાદ કિશોરે 15 અને 16 જુલાઈ, 2026ના બે દિવસ દરમિયાન સગીરા પર અલગ-અલગ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. આ પિશાચી કૃત્ય બાદ સગીરા નાસીપાસ થઈ ગઈ હતી અને સમગ્ર આપવીતી પોતાના પરિવારજનો સમક્ષ રજૂ કરી હતી.