Gujarat

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપે ચાલુ કર્યો પુરજાેશમાં પ્રચાર

આ મહિનાના અંતમાં તા. ૩૦ જુલાઇએ વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન થશે. માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જાેવા મળી રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે પણ શાસક પક્ષ દ્વારા આ બેઠક જીતવા માટે પ્રચારનો ધમધમાટ પૂરજાેશમાં ચાલી રહ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે, આ બેઠક ભાજપના સીનિયર ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલના અવસાનના કારણે ખાલી પડી છે.

મતદાનની તારીખ: ૩૦ જુલાઇ, ૨૦૨૬

મત ગણતરી: ૩ ઓગસ્ટ ૨૦૨૬

ભાજપ તરફથી સતીષભાઇ પટેલ મેદાનમાં છે જ્યારે કોંગ્રેસ તરફથી ભીખાભાઇ રબારી વચ્ચે ટક્કર જાેવા મળશે.

પેટાચૂંટણીમાં વિજય સુનિશ્ચિત કરવા માટે ભાજપે પોતાની આખી રાજકીય ફોજ વડોદરામાં ઉતારી દીધી છે. સ્થિતિ એવી છે કે ગઈકાલે મુખ્યમંત્રીએ વડોદરાની મુલાકાત લીધી હતી, તો એ પહેલા નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પણ પ્રચારના રણમેદાનમાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પણબેઠકો યોજીને ચૂંટણી પ્રચારની કમાન સંભાળી લીધી છે.

મીડિયા સુત્રો અનુસાર દાયકાઓ સુધી એક જ નેતાના પ્રભુત્વ હેઠળ રહેલી આ બેઠક પર પક્ષ કોઈપણ પ્રકારનું જાેખમ લેવા માંગતો નથી. સ્થાનિક સ્તરે મતદારોને રીઝવવા અને પક્ષની મજબૂતી જાળવી રાખવા માટે પ્રદેશથી લઈને કેન્દ્ર સુધીના નેતાઓએ તાકાત લગાવી છે.

એક તરફ ભાજપના નેતાઓ રેકોર્ડબ્રેક લીડથી જીતવાનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ કુદરતી આપત્તિ વચ્ચે ચાલતા આ મહા-પ્રચારને લઈને જનતામાં પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે. હવે આગામી દિવસોમાં મતદાન દ્વારા માંજલપુરના મતદારો કોના પર ભરોસો મૂકે છે અને કયો પક્ષ બાજી મારે છે, તેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.