Gujarat

જામનગર જિલ્લા પંચાયતની ત્રીજી સામાન્ય સભા બાંધકામ સમિતિને પ્રક્રિયા અર્થે 360 દિવસ મળશે

જામનગર જિલ્લા પંચાયતની ત્રીજી સામાન્ય સભા સોમવારે પ્રમુખ રંજનબેન જીવાણીના અધ્યક્ષસ્થાને મળી હતી.જેમાં જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની રચના કરવા અંગે સુધારા સુચિત ઠરાવ ઉપરાંત સ્વભંડોળ ખર્ચની મંજુરીમાં ફેરફાર સહિતની દરખાસ્તો પર ચર્ચાઓ થઇ હતી.જે બાદ જિલ્લા પંચાયતની કારોબારી સહિત છ સમિતિના ચેરમેનની વરણી કરાઇ હતી.

જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા સોમવારે સવારે 11 વાગ્યે રંજનબેન જીવાણીના પ્રમુખસ્થાને સભાખંડમાં યોજાઇ હતી.જે બેઠકમાં શિક્ષણ સમિતિની રચના કરવા અંગે સુધારા સુચિત ઠરાવમાં નિયમ મુજબ સભ્ય નિમાયા ન હોય,ટેકનિકલ ફોલ્ટના કારણે નામ ફેરફાર રજુ કરાયો હતો.

જે બાદ હવે શિક્ષણ સમિતિના ચેરમેનની વરણી કરાશે.સામાન્ય સભામાં જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિએ જેને વહીવટી મંજુરી આપી હોય,તેની વેલિડિટીની સમય મર્યાદા અગાઉ 180 દિવસથી વધારીને 360 દિવસ કરવાના ઠરાવ પર ચર્ચા વિચારણા સાથે મંજુરીનો નિર્ણય લેવાયો હતો.

સામાન્ય સભા બાદ જિ.પં.ની વિવિધ સમિતિના ચેરમેનોની વરણી કરાઇ હતીજેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે સુનિલભાઇ રાઠોડ, જાહેર બાંધકામ સમિતિના ચેરમેન પદે વનીતાબેન ઉધાડ, ઉત્પાદન- સહકાર અને સિંચાઇ સમિતિના ચેરમેન પદે અતુલભાઇ કમાણી, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેનપદે રાજેશભાઇ મકવાણા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદે લક્ષ્મીબેન વારસાકીયા અને અપીલ સમિતિના ચેરમેન પદે રંજનબેન જીવાણીની વરણી કરાઇ હતી.