મુંબઈ-અમદાવાદ રેલવે રૂટ પર આજે વહેલી સવારે એક મોટી હોનારત ટળતા રેલવે તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. વલસાડ જિલ્લાના ભિલાડ રેલવે સ્ટેશન પર વહેલી સવારે આશરે 6.27 કલાકે વિરારથી ભરૂચ જતી મેમુ ટ્રેનજ્યારે પ્લેટફોર્મ નંબર-1 પર પ્રવેશ કરી રહી હતી, ત્યારે અચાનક તેનું DMC એન્જિન પાટા પરથી નીચે ઊતરી ગયું હતું.
આ બનાવ બનતા જ ટ્રેનમાં સવાર મુસાફરોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે સ્ટેશન નજીક હોવાના કારણે ટ્રેનની સ્પીડ ખૂબ જ ધીમી હતી, જેના પરિણામે મોટી જાનહાનિ ટળી હતી અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
ઘટના બાદ ટેકનિકલ ટીમો કામે લાગી વહેલી સવારે બનેલી ઘટના બાદ રેલ્વે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું. ઘટના અંગે જાણ થતાં જ વલસાડથી ART અને ARMEની ટેકનિકલ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એન્જિનને પુનઃ પાટા પર લાવવાની કામગીરી શરૂ કરી હતી.
અનેક ટ્રેન મોડી પડતા મુસાફરોને હાલાકી આ દુર્ઘટનાના સીધા પ્રત્યાઘાત મુંબઈથી ગુજરાત તરફ આવતા સમગ્ર રેલ વ્યવહાર પર પડ્યા હતા. ખાસ કરીને વડોદરા રેલવે સ્ટેશન પર તેની ગંભીર અસર જોવા મળી હતી, જ્યાં વંદે ભારત એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ અને વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જેવી મહત્ત્વની ટ્રેનો પોતાના નિર્ધારિત સમય કરતાં કલાકો મોડી પડી હતી.
ટ્રેનોના સમયપત્રક ખોરવાઈ જતાં વડોદરા સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જામી હતી. ટ્રેનોના વિલંબ અંગે ચોક્કસ માહિતી ન મળવાને કારણે રોજિંદા અપ-ડાઉન કરતા નોકરિયાતો, શ્રમિકો અને વેપારીઓ ભારે હાલાકીમાં મુકાયા હતા અને પોતાના ગંતવ્ય સ્થાને સમયસર પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતા.

