જામનગર LCB પોલીસે કાલાવડ અને લાલપુર વિસ્તારમાં પવનચક્કીના કોપર કેબલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે રૂ. 1,06,510ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર છે. આ ચોરીઓ પવનચક્કીના ટાવરમાંથી અર્થિંગ માટેના કોપર કેબલ વાયરની હતી. LCBએ ગણતરીના કલાકોમાં આ ગુનાઓનો પર્દાફાશ કર્યો હતો.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈનીના માર્ગદર્શન હેઠળ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના નેતૃત્વમાં વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસીમાં આવેલા ‘અર્જુન મેટલ’ કારખાનામાં દરોડો પાડી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં હાજીભાઈ આદમભાઈ ખફી, અસગરભાઈ યુસુબભાઈ ખફી અને ગુલામહુશેન ઉર્ફે ભંભો ગફારભાઈ ખફી (ત્રણે રહે. મસીતીયા, જામનગર)નો સમાવેશ થાય છે. ચોરીનો મુદ્દામાલ ખરીદનાર બળવંતભાઈ દિલીપભાઈ ગોહીલ (રહે. મોરકંડા, જામનગર) પણ ઝડપાયો છે. ખીમલીયા ગામનો કાનાભાઈ નામનો આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.

