શારીરિક ક્ષમતા અને શિસ્તના આધારે ૧૭ વિદ્યાર્થીઓની કેડેટ તરીકે પસંદગી
મહુધા કેળવણી મંડળ સંચાલિત એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી.પટેલ આર્ટ્સ કોલેજ, મહુધાના એન.સી.સી વિભાગ દ્વારા નવા કેડેટ્સના એનરોલમેન્ટ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો હતો. કોલેજના એન.સી.સી ઓફિસર ડો. મનોજ પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમને કાર્યકારી આચાર્ય ડો. કે.આર.પટેલનું માર્ગદર્શન અને સહયોગ પ્રાપ્ત રહ્યો હતો. સમગ્ર એનરોલમેન્ટ પ્રક્રિયાનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓની પસંદગી માટે ૨૮ ગુજરાત બટાલિયન, નડિયાદના પી.આઈ તથા આર્મી સ્ટાફ દ્વારા શારીરિક ક્ષમતા, શિસ્ત, આત્મવિશ્વાસ અને એન.સી.સી.ના નિર્ધારિત માપદંડોના આધારે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કડક ચકાસણી બાદ કુલ ૧૭ વિદ્યાર્થીઓની એન.સી.સી કેડેટ તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહુધા કેળવણી મંડળના પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોએ પસંદગી પામેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે એન.સી.સી યુવાઓમાં દેશપ્રેમ, નેતૃત્વ, શિસ્ત અને સેવાભાવના ગુણોના વિકાસ માટે મહત્વપૂર્ણ માધ્યમ છે. તેમણે પસંદગી પામેલા તમામ કેડેટ્સને ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં કોલેજ પરિવારમાં આનંદની લાગણી પ્રસરી હતી.
તસ્વીર અહેવાલ : નિસાર શેખ, મહુધા

