Gujarat

જામનગરના 272 તલાટી મહેસૂલી કામથી અળગા, ખેડૂત-છાત્રોના કામો અધ્ધરતાલ

જામનગર જિલ્લામાં તલાટી કમ મંત્રીઓની હડતાળને પગલે ગ્રામ્ય વહીવટ કથળી ગયો છે. જિલ્લાના 422 ગામોના 272 તલાટીઓએ ગત તા.3 જુલાઈથી મહેસૂલી કામગીરીનો બહિષ્કાર જાહેર કર્યો છે, જેને આજે 28 દિવસ પૂર્ણ થયા છે. આ લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના કારણે ગ્રામજનો સરકારી કામો માટે કચેરીના ધક્કા ખાઈને કંટાળી ગયા છે. સૌથી ગંભીર બાબત એ છે કે, વહીવટી તંત્ર દ્વારા આ કામગીરી માટે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે લોકમુખે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હાલ ખેતીની સીઝન પૂરજોશમાં છે. ત્યારે ખેડૂતોને પાક ધિરાણ અને બેંક લોન મેળવવા માટે ગામ નમૂના નં-2 અને 16 નંબરના ઉતારા મેળવવાની તાતી જરૂર છે, પરંતુ તલાટીઓ મહેસુલી કામગીરીનો બહિષ્કાર કર્યો હોવાથી તે કામ કરવાનો ઈન્કાર કરી દે છે, જેના કારણે આ દસ્તાવેજો મળતા નથી.

આ ઉપરાંત, નવા લાઈટ કનેક્શન માટેના જરૂરી પ્રમાણપત્રો પણ મેળવવામાં ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતો ઉપરાંત વિદ્યાર્થીઓ પણ આ હડતાળના સકંજામાં ફસાયા છે. હાલ વિવિધ પ્રવેશ પ્રક્રિયાઓ અને શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાના હોવાથી વિદ્યાર્થીઓને આવકના દાખલા મેળવવામાં મોટી મુશ્કેલી પડી રહી છે.