Gujarat

વારસિયામાં રસોડામાં કણસતી હાલતમાં યુવક અને પ્રતાપનગરમાં ચા પીતાં પીતાં વૃદ્ધનું મોત, હાર્ટ એટેકની આશંકા

વડોદરામાં આજે 31 જુલાઈ સવારે અકસ્માતે મોતના બે અલગ-અલગ કરૂણ બનાવો સામે આવ્યા છે. જેમાં વારસિયા વિસ્તારમાં ઘરના રસોડામાં કણસતી હાલતમાં એક યુવકનું અને પ્રતાપનગર વિસ્તારમાં સવારની ચા પીતી વખતે અચાનક ઢળી પડવાથી એક વૃદ્ધનું મોત નિપજ્યું હતું. બંને મૃતકોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બંને વ્યક્તિના મોત હાર્ટ એટેકથી થયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

વારસિયામાં રસોડામાં કણસતી હાલતમાં યુવકનું મોત પ્રથમ બનાવની વિગત અનુસાર, વારસિયા આર.ટી.ઓ. નજીક આવેલા એસ.કે. કંપાઉન્ડ ખાતે રહેતા 40 વર્ષીય રમેશભાઈ ગીરધારીલાલ શિવનાની સવારે આશરે 8 વાગ્યાના સુમારે પોતાના ઘરના રસોડામાં અચાનક કણસતી હાલતમાં મળી આવ્યા હતાં. આ બનાવમાં યુવકના મોં માંથી લોહી નીકળવા લાગ્યું હતું. પરિવારજનો દ્વારા તાત્કાલિક 108 મારફતે તેમને એસ.એસ.જી. હોસ્પિટલ લવાયા હતા, જ્યાં સવારે 8.53 વાગ્યે ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

પ્રતાપનગરમાં ચા પીતાં પીતાં વૃદ્ધનું મોત, હાર્ટ એટેકની આશંકા બીજા બનાવમાં, પ્રતાપનગર મહાનગર ખાતે આવેલા વુડા હાઉસિંગમાં રહેતા 65 વર્ષીય શંભુભાઈ સીતારામ રાજપૂત સવારે આશરે 8.30 વાગ્યે પોતાના ઘરે ચા પી રહ્યા હતા. આ દરમિયાન તેઓ અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા અને ત્યારબાદ ભાનમાં આવ્યા નહોતા. પરિવારે તાત્કાલિક 108 મારફતે તેમને એસ.એસ.જી. હોસ્પિટલ પહોંચાડ્યા હતા, પરંતુ સવારે 9.07 વાગ્યે તબીબ દ્વારા તેમને પણ મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.