Gujarat

જામનગરમાં વીજ લાઈન-પોલના વિરોધમાં હજારો ખેડૂતો રસ્તા પર

જામનગર જિલ્લામાં ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં બળજબરીપૂર્વક વીજપોલ ઊભા કરવા અને હાઈ-વોલ્ટેજ લાઈનો નાખવાના મુદ્દે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જામનગર જિલ્લા ખેડૂત સમિતિના નેતૃત્વમાં આજે એક હજારથી વધુ ખેડૂતો અને મોટી સંખ્યામાં ગ્રામ્ય મહિલાઓએ વિશાળ રેલી યોજી સરકાર સામે પ્રચંડ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી. ખેડૂતોની મુખ્ય માંગણી છે કે, સરકારનો વીજલાઈન અંગેનો પરિપત્ર તાત્કાલિક રદ કરવામાં આવે, જમીન સંપાદનમાં યોગ્ય વળતર મળે અને ખેતરોમાં કોઈપણ કામગીરી કરતાં પહેલાં ખેડૂતોની લેખિત સહમતિ ફરજિયાત લેવામાં આવે.

આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. રેલીમાં જોડાયેલા ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે, જો સરકાર દ્વારા આ મુદ્દે સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે અને ખેડૂતોના હિતોનું રક્ષણ નહીં કરાય, તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. ખેડૂતોની આ એકતા અને સરકારની નીતિઓ સામેના વિરોધે જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે.