Gujarat

મોરબી જિલ્લામાં અવિરત વરસાદથી હળવદ સહીત બીજા તાલુકાઓના અનેક ગામો જળબંબાકાર, NDRF-SDRFની ટીમો થઇ કાર્યરત

મોરબી જિલ્લામાં છેલ્લા ૩ દિવસથી અવિરત વરસાદથી હળવદ તાલુકાના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જેમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકો ફસાઈ ગયા હતા, જેને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ હળવદના માલણીયાદ ગામમાં પાંચ લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટરે ફસાયેલા લોકો સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમની સુરક્ષાની ખાતરી આપી હતી. સાથે જ NDRF અને SDRFની ટીમોને તાત્કાલિક રેસ્ક્યૂ માટે મોકલવામાં આવી હતી.

NDRF અને SDRFની ટીમોએ સ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ તમામ ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

સરકારી તંત્રના જણાવ્યા મુજબ હળવદના માલણીયાદ, સુખપર અને ઇંગોરાળા ગામોમાંથી કુલ ૨૪ લોકોને બચાવવામાં આવ્યા હતા. જેમાં માલણીયાદમાંથી ૫, સુખપરમાંથી ૧૫ અને ઇંગોરાળામાંથી ૭ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તંત્રએ લોકોને નદી, ગરનાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા અપીલ કરી છે.