છેલ્લા ૪-૫ દિવસોથી જિલ્લામાં ભારે વરસાદના કારણે શહેરના છેવાડે આવેલા જાબુવા ગામ પાસેથી પસાર થતી જાબુવા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઉપરવાસમાં ઢાઢર નદીમાં પાણીની આવક વધતાં જાબુવા નદી બે કાંઠે વહેવા લાગી છે. પરિણામે ગામને જાેડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ નદીમાં મગરોના વસવાટને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઢાઢર નદીમાં પાણીની આવક સતત વધી રહી છે અને તેનું પાણી જાબુવા નદીમાં પ્રવેશતાં નદી બે કાંઠે વહેવા લાગી છે. જાબુવા ગામને જાેડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સ્થાનિકો માટે રોજિંદા અવરજવરનો આ સૌથી મહત્વનો રસ્તો છે. હાલ બ્રિજ પર પાણી ફરી વળતાં તંત્ર દ્વારા બેરિકેડ મૂકી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
જાબુવા નદીમાં મગરોનો વસવાટ હોવાથી પાણી રહેણાંક વિસ્તાર સુધી પહોંચે તો મગરો પણ ગામ તરફ આવી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ સંજાેગોને ધ્યાનમાં રાખીને મકરપુરા પોલીસ, વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ ટીમને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને નદીની નજીક ન જવા, બેરિકેડ પાર ન કરવા અને માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
જાંબુવા નદીમાં આવેલા વધેલા જળસ્તરને કારણે ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. મગરોના ભય અને ઉપરવાસમાંથી સતત આવતાં પાણી વચ્ચે તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. પોલીસ, કોર્પોરેશન અને વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ ટીમ પરિસ્થિતિ પર સત નજર રાખી રહી છે, જ્યારે સ્થાનિકોને સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
નદીનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતાં સામાન્ય જનજીવન પર માઠી અસર જાેવા મળી. કેટલાક વિસ્તારોમાં લોકોને જરૂરી ચીજવસ્તુઓની અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
આ નદીનું એક વિશેષ મહત્વ એ છે કે તે વિશ્વામિત્રી અને ઢાઢર નદીને જાેડતી નદી છે. બંને નદીઓમાં પાણીની આવક વધતાં જાબુવા નદીનું જળસ્તર ઝડપથી વધી શકે છે. તંત્ર સતત નદીના જળસ્તર પર નજર રાખી રહ્યું છે અને પરિસ્થિતિ વધુ વણસે તો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે તૈયારી રાખવામાં આવી છે.

