સુરતમાં છેલ્લા 12 કલાકથી મેઘરાજાએ વિરામ લીધો છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ અટક્યો છે, તેમ છતાં શહેરના નીચાણવાળા વિસ્તારોના રહીશો માટે આફત ઓછી થવાનું નામ લેતી નથી. વરસાદી આંકડામાં ભલે વિરામ દેખાતો હોય, પરંતુ લિંબાયત અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ સ્થિતિ દયનીય બનેલી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ખાડીઓમાં પાણીની આવકમાં સતત અને ધરખમ વધારો થઈ રહ્યો છે.
જેના પરિણામે ખાસ કરીને લિંબાયતના કમરૂનગર અને મીઠી ખાડી વિસ્તારમાં કમર સુધીના પાણી ફરી વળ્યા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે હજારો પરિવાર પોતાના જ ઘરોમાં કેદ થઈ જવા મજબૂર બન્યા છે, જ્યારે અનેક લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે.
આ સિઝનમાં કમરુનગરમાં ત્રીજીવાર પાણી ભરાયા ચોમાસાની ચાલુ સિઝનમાં જ કમરૂનગર વિસ્તારમાં આ ત્રીજી વખત પાણી ભરાવાની ઘટના સામે આવી છે. સમગ્ર વિસ્તારમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. અનેક રેસિડેન્શિયલ બિલ્ડિંગોના કેમ્પસ, સોસાયટીઓના મુખ્ય રસ્તાઓ અને શેરીઓ સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગઈ છે.
બે-બે દિવસથી સતત ગંદા પાણી વચ્ચે જીવન વિતાવવા મજબૂર બનેલા લોકોમાં ભારે આક્રોશ અને નારાજગી વ્યાપેલી છે. પાણી ઉતરે એટલે રહીશો માંડ-માંડ ઘરોની સફાઈ કરી જીવન પાટા પર લાવવાનો પ્રયાસ કરે છે, ત્યાં જ ફરીથી ખાડીના પાણી વિસ્તારમાં ઘૂસી જાય છે. આ ચક્રવ્યૂહને કારણે લોકો માનસિક અને આર્થિક રીતે ભાંગી પડ્યા છે.
આ જળબંબાકારની સ્થિતિની સીધી અસર સ્થાનિકોના રોજિંદા જીવન પર પડી રહી છે. હજારો લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી શકતા ન હોવાથી નોકરી-ધંધે જઈ શકતા નથી, જેના કારણે રોજીરોટીનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. બીજી તરફ, શાળાએ જતા માસૂમ બાળકોના શિક્ષણ પર પણ ગંભીર વિપરીત અસર પડી રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અનેક અસરગ્રસ્ત લોકોને નજીકની સરકારી શાળાઓમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને ત્યાં તેમના રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. છતાં પણ પોતાના માલ-સામાન અને ઘરની ચિંતામાં અનેક લોકો પાણી વચ્ચે જ દિવસો વિતાવી રહ્યા છે.

