Gujarat

ધ્રોલના શંકાસ્પદ ચાંદીપુરા કેસમાં બાળકનું મૃત્યુ:

જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક છે. ધ્રોલ તાલુકાના ડાંગરા સીમ વિસ્તારના એક છ વર્ષીય બાળ દર્દીનું રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ બાળક ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતું હતું, જોકે તેના સેમ્પલનો રિપોર્ટ હજુ બાકી છે. આ સાથે, જામનગર જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના કારણે મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા છ થઈ છે.

અત્યાર સુધી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયેલા ચાંદીપુરાના કુલ સાત શંકાસ્પદ કેસોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમ છતાં, સારવાર દરમિયાન પાંચ ગંભીર બાળ દર્દીઓના મૃત્યુ થયા હતા. જામનગરની જી.જી. હોસ્પિટલમાં પાંચ શંકાસ્પદ બાળ દર્દીઓના મૃત્યુ થયા બાદ, ધ્રોલના આ છઠ્ઠા શંકાસ્પદ બાળ દર્દીનું રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયું છે. હાલમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ત્રણ બાળ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં કાલાવડમાંથી શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરાયેલા બે વર્ષીય બાળકનો પણ સમાવેશ થાય છે. તબીબી સૂત્રો અનુસાર, સારવાર હેઠળના એક બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે.

આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે સંબંધિત વિસ્તારોમાં સતત સર્વેલન્સ, આરોગ્ય તપાસ અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ચાંદીપુરા વાયરસ અંગે લોકોમાં ગભરાટ નહીં, પરંતુ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. બાળકોમાં તાવ, ઝાડા, ઊલટી, બેભાન થવા જેવા ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લેવા પણ સૂચના અપાઈ છે.