Gujarat

જામનગરમાં ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ યોજાયો

2030 સુધીમાં ડ્રોપઆઉટ દર શૂન્ય કરવાની દિશામાં રાજ્ય સરકારનો સંકલ્પ, શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન

રાજ્યમાં એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શાળા છોડી ગયેલા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્યધારામાં જોડવાના ઉદ્દેશ સાથે જામનગરના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે જિલ્લા કક્ષાનો ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણવિદો, શિક્ષકો, અધિકારીઓ અને નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન શાળા છોડી ગયેલા બાળકોના પુનઃપ્રવેશ માટે નોંધપાત્ર કામગીરી કરનાર શિક્ષણ વિભાગના કર્મયોગીઓ, સંસ્થાઓ અને વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

એનરોલમેન્ટમાં વધારો, ડ્રોપઆઉટમાં નોંધપાત્ર ઘટાડો રાજ્ય શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા અભિયાનોના પરિણામે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સફળતા મળી છે.

બાલવાટિકાથી ધોરણ-12 સુધી વિદ્યાર્થીઓનો નોંધણી દર 76 ટકાથી વધીને 99.99 ટકા થયો છે, જ્યારે રાજ્યનો ડ્રોપઆઉટ દર 37 ટકાથી ઘટીને માત્ર 2.37 ટકા રહ્યો છે. વર્ષ 2030 સુધીમાં આ દરને શૂન્યની નજીક પહોંચાડવાનો રાજ્ય સરકારનો સંકલ્પ હોવાનું તેમણે જણાવ્યું હતું.

જામનગર જિલ્લામાં ડ્રોપઆઉટ રેશિયો 4.75 ટકાથી ઘટીને 1.80 ટકા મંત્રીએ જણાવ્યું કે જામનગર જિલ્લામાં વર્ષ 2022-23માં 4.75 ટકા રહેલો ડ્રોપઆઉટ રેશિયો હાલમાં ઘટીને માત્ર 1.80 ટકા રહ્યો છે, જે સમગ્ર શિક્ષણ વિભાગ, શિક્ષકો અને સંબંધિત સ્ટાફના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જો કોઈ બાળક કોઈપણ કારણસર અભ્યાસ અધવચ્ચે છોડે તો સરકાર વાલી બની તેની સાથે ઉભી રહેશે. બ્રિજ કોર્સ, હોસ્ટેલ સુવિધા સહિતની વિવિધ શૈક્ષણિક યોજનાઓ દ્વારા બાળકોને શિક્ષણ સાથે સતત જોડાયેલા રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમજ શાળાઓમાં શિક્ષકોની ઘટ દૂર કરવા માટે પણ સરકાર સક્રિય રીતે કામગીરી કરી રહી છે.

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જણાવ્યું હતું કે સમરસ વિદ્યા સેતુ, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા કાર્યક્રમોના પરિણામે રાજ્યમાં ડ્રોપઆઉટ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને વિકસિત ભારત-2047ના સ્વપ્નને સાકાર કરવામાં આ અભિયાન મહત્વપૂર્ણ સાબિત થશે.

પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ પણ શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી. કાર્યક્રમના અંતે શાળા છોડી ગયેલા બાળકોને પુનઃશાળામાં દાખલ કરવામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓ, સંસ્થાઓ અને વ્યક્તિઓનું રાજ્ય શિક્ષણમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.