રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને રાજકોટ વાલ્મિકી સમાજ દ્વારા મેયર ડો. નેહલ શુક્લને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. સમાજના પ્રમુખ મુકેશ પરમારે માંગ કરી હતી કે, મનપામાં 532 સફાઈ કામદારોની ભરતી માટે ભરાયેલા ફોર્મનો ડ્રો તાત્કાલિક કરી ઉમેદવારોને નિમણૂક ઓર્ડર આપવામાં આવે.
આ ઉપરાંત સ્વેચ્છિક રાજીનામા આપનાર 225થી 250 કામદારોની પેન્ડિંગ પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરી તેમના વારસદારોને નોકરી આપવા માંગ કરાઈ છે. સાથે જ અન્ય મહાનગરપાલિકાઓની જેમ ફેસ ડિટેક્ટર હાજરી 4 ટાઈમના બદલે 2 ટાઈમ કરવા અને નિવૃત્ત કે અવસાન પામેલા કામદારોને 3 મહિનામાં હક-હિસ્સાની રકમ ચૂકવી આપવા રજૂઆત કરાઈ હતી.
બીજી તરફ પોતાના પર લાગેલા બોગસ મેડિકલ સર્ટિફિકેટના આક્ષેપો અંગે સ્પષ્ટતા કરતાં મુકેશ પરમારે જણાવ્યું હતું કે, તપાસ રિપોર્ટમાં પણ કોઈ ગેરરીતિ પૂરવાર થઈ નથી. ભૂતકાળમાં સમાજ વિરોધી પ્રવૃત્તિઓ કરનાર તત્વો સામે કડક વલણ અપનાવ્યું હોવાથી અંગત રાગદ્વેષ રાખીને તેમની અને સમાજની છબી ખરડવા આ ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
રાજકોટ મનપામાં નવી બોડીએ શાસન સંભાળ્યાને ત્રણ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અને તમામ પેટા કમિટીઓની રચના થઈ ગઈ હોવા છતાં, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવી નિમણૂકો હજુ અટકેલી છે અને જૂની બોડી જ કાર્યરત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિક્ષણ સમિતિના ચેરમેનની ૬ વર્ષની મુદ્દત ઘટાડીને અન્ય પેટા કમિટીઓની જેમ 2.5 વર્ષ કરવા ગંભીર વિચારણા ચાલી રહી છે.
જો આ નવી ફોર્મ્યુલા અમલમાં આવે તો 5 વર્ષના શાસનકાળ દરમિયાન કુલ 30 જેટલા નવા ચહેરાઓને તક મળી શકે છે. સામાન્ય પેટા કમિટીઓમાં માત્ર ચૂંટાયેલા કોર્પોરેટરોને જ સ્થાન મળે છે, જ્યારે શિક્ષણ સમિતિમાં પક્ષના સંગઠનાત્મક કાર્યકરોને પણ તક મળતી હોવાથી ભાજપના કાર્યકરો સ્થાન મેળવવા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

