કાલાવડ ટાઉન પોલીસે ‘ઓપરેશન મિલાપ’ હેઠળ ટેકનિકલ અને હ્યુમન સોર્સ તેમજ ફેસબુક આઈડીના મોનિટરિંગની મદદથી 1 વર્ષથી ગુમ થયેલા અતુલભાઈ પરસોતમભાઈ ચીખલીયાને અમદાવાદમાંથી શોધી કાઢ્યા છે. પોલીસે તેમને કાલાવડ લાવીને પરિવાર સાથે મિલાપ કરાવતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.
પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, કાલાવડના 40 વર્ષીય અતુલભાઈ ચીખલીયા 16 જુલાઈ, 2023ના રોજ સુરત ખાતે હીરા ઘસવાનું કામ કરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ તેમનો સંપર્ક તૂટી જતાં અને મોબાઈલ બંધ આવતાં તેમના પત્ની કિરણબેને 12 જૂન, 2024ના રોજ કાલાવડ ટાઉન પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
જામનગર જિલ્લા એસપી ડૉ. રવિ મોહન સૈની અને ગ્રામ્ય DYSP પિયુષ વાંદાની સૂચનાથી કાલાવડ PI પી.ટી. જયસ્વાલના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ તેજ કરી હતી. LCB અને સ્થાનિક ટીમે અતુલભાઈના જૂના ફેસબુક આઈડીમાં રહેલા ફ્રેન્ડ્સ અને ફોલોઅર્સના વીડિયોનું વિશ્લેષણ કરતાં એક વીડિયોમાં તેઓ નજરે પડ્યા હતા.

