Gujarat

ભણવા બાબતે પિતાએ ઠપકો આપતા નર્સિંગના છાત્રે અને બીમારીથી કંટાળી મહિલાએ ગળેફાંસો ખાધો

રાજકોટમાં વધુ બે આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં પ્રથમ બનાવમાં વીરડા વાજડી ગામે રહેતા અને નર્સિંગનો અભ્યાસ કરતા છાત્રને પિતાએ વાંચન કરવા બાબતે ઠપકો આપતા ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. જયારે બીજા બનાવમાં વિનોદનગર ક્વાર્ટરની સામે ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા મહિલાએ બીમારીથી કંટાળી ગળેફાંસો ખાધો છે. બંને મૃતદેહને પોસમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રથમ બનાવ- નર્સિંગના છાત્રે સુસાઈડ કર્યું મહેન્દ્ર છગનભાઈ સોંદરવા (ઉં.વ.24)એ ગત 3 ઓગસ્ટ, 2026ના બપોરે 2 વાગ્યે ગળાફાંસો ખાધો હતો. આ સમયે નાનોભાઈ ઘરે જમવા આવ્યો ત્યારે મોટાભાઈ મહેન્દ્રને લટકતા જોઈ તાત્કાલિક નીચે ઉતારી 108 મારફત ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, આજે 8 ઓગસ્ટ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં મહેન્દ્ર હોસ્પિટલમાં નર્સિંગ કામ કરતો હતો પિતાએ વાંચવામાં ધ્યાન આપ મોબાઈલ ફોન બંધ કરી દે કહી ઠપકો આપ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ રાજકોટ તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

બીજો બનાવ-બીમારીથી કંટાળી મહિલાએ ગળેફાંસો ખાધો રાજકોટના વિનોદનગર ક્વાર્ટરની સામે પાણીના ટાંકાની બાજુમાં ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા હેતલબેન હિતેશભાઈ લીંબા (ઉં.વ.47)એ પોતાના ઘરે હતા ત્યારે વાતડની બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

પોલીસ તપાસમાં હેતલબેન મજૂરી કામ કરતા હોવાનું અને થોડાક સમય પહેલા પડી જતા શરીરના ભાગે લાગતા વાતડનો અસહ્ય દુખાવો શરૂ થતા તેનાથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. હેતલબેનને સંતાનમાં એક દીકરી અને એક દીકરો હોવાનું સામે આવ્યું છે જેમાં દીકરીના લગ્ન થઈ ગયા છે. હાલ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.