Gujarat

વડનગર-મહેસાણાને મુંબઈ માટે સીધી દૈનિક ટ્રેન મળશે

પશ્ચિમ રેલવેએ વડનગર અને મુંબઈ વચ્ચે નવી દૈનિક ટ્રેન શરૂ કરવાના ભાગરૂપે 22927/ 22928 બાંદ્રા ટર્મિનસ– અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ વડનગર સુધી લંબાવવા દરખાસ્ત કરી છે. આ અંગે પશ્ચિમ રેલવેના ચર્ચગેટ હેડ ક્વાર્ટરથી 4 ઓગસ્ટે રેલવે બોર્ડને દરખાસ્ત મોકલવામાં આવી છે.

હાલ 22927 લોકશક્તિ એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસથી અમદાવાદ સુધી દોડે છે. દરખાસ્ત મંજૂર થાય તો તેનો રૂટ બાંદ્રા ટર્મિનસ– અમદાવાદના બદલે બાંદ્રા ટર્મિનસ– વડનગર થશે. પરત ફરતી 22928 ટ્રેન પણ અમદાવાદના બદલે વડનગરથી બાંદ્રા ટર્મિનસ સુધી દોડશે. આ દરખાસ્તને પશ્ચિમ રેલવેના PCOMની મંજૂરી મળી હોવાનું પત્રમાં જણાવાયું છે. હવે અંતિમ નિર્ણય રેલવે બોર્ડ દ્વારા લેવામાં આવશે. આ ટ્રેન શરૂ થતાં મહેસાણા જિલ્લામાંથી મુંબઇને જોડતી પહેલી ટ્રેન બનશે.

વડનગરથી મુંબઇ 11 કલાક લાગશે દરખાસ્ત મુજબ 22927 લોકશક્તિ એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસથી રાત્રે 7:40 વાગ્યે ઉપડશે અને અમદાવાદ સવારે 4:20થી 4:30 વાગ્યે પહોંચશે. ત્યાર બાદ વડનગર સવારે 6:40 વાગ્યે પહોંચશે. પરત ફરતી 22928 વડનગરથી સાંજે 6:20 વાગ્યે ઉપડશે અને અમદાવાદ રાત્રે 8:35થી 8:45 વાગ્યે પહોંચીને બીજા દિવસે સવારે 5:25 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. વડનગર સુધી લંબાવ્યા બાદ ટ્રેનનું કુલ અંતર 480.6 કિમીથી વધીને 582 કિમી થશે. મુસાફરીનો સમય પણ બંને દિશામાં વધશે. પશ્ચિમ રેલવેની દરખાસ્ત મુજબ બાંદ્રા ટર્મિનસથી વડનગર સુધી પહોંચવામાં 11 કલાક અને પરત મુસાફરીમાં 11 કલાક 5 મિનિટનો સમય લાગશે.

મહેસાણા રેલવે જંકશન પર સ્ટોપેજની દરખાસ્ત, પરંતુ ટ્રેન સુપરફાસ્ટ નહીં રહે વડનગર સુધીના નવા વિસ્તૃત રૂટમાં મહેસાણા ખાતે સ્ટોપેજ રાખવાની દરખાસ્ત છે. જોકે સૌથી મહત્વની બાબત એ છે કે વડનગર સુધી લંબાવ્યા બાદ લોકશક્તિ એક્સપ્રેસ સુપરફાસ્ટ ટ્રેનનો દરજ્જો ગુમાવશે. બીજી બાજુ, હાલ લોકશક્તિ એક્સપ્રેસ 19031/19032 સાબરમતી– યોગા એક્સપ્રેસ સાથે ઇન્ટિગ્રેટેડ રેક લિંકમાં ચાલી રહી છે. વડનગર સુધી વિસ્તરણ માટે આ રેક લિંકને અલગ કરવાની દરખાસ્ત છે. પશ્ચિમ રેલવેએ 19031/19032 માટે સમાન રચનાવાળો વધારાનો રેક રેલવે બોર્ડ પાસેથી માગ્યો છે.