અમદાવાદના જુહાપુરા-મક્તમપુરા વોર્ડમાં પાણી અને ગટરની સમસ્યા અંગે રજૂઆત કરવા આવેલા લોકોમાંથી બે શખસે કોંગ્રેસના કોર્પોરેટર હાજી અસરાર બેગ અને મહિલા કોર્પોરેટર નૂરજહાં દિવાન સાથે ઉગ્ર બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી. આ દરમિયાન ‘તને છોડીશ નહીં’ કહી જાનથી મારી નાખવાની ધમકી અપાતાં મામલો વેજલપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
વોર્ડ ઓફિસે રજૂઆત વેળાએ જ તકરાર થઈ મક્તમપુરા વોર્ડના કોર્પોરેટર હાજી અસરાર બેગ, સાથી કોર્પોરેટર હિતેન્દ્ર પીઠડીયા અને મહિલા કોર્પોરેટર નૂરજહાં દિવાન વોર્ડ ઓફિસ ખાતે હાજર હતા. આ સમયે ફતેવાડી વિસ્તારના સ્થાનિકો પાણી અને ગટરની સમસ્યા મુદ્દે રજૂઆત કરવા આવ્યા હતા. રજૂઆત દરમિયાન મુનાફ શેખ અને મોહમ્મદ સિદ્દીક નામના બે શખ્સે “તમે માત્ર વાતો કરો છો, કોઈ નિરાકરણ લાવતા નથી” તેમ કહી હોબાળો મચાવ્યો હતો.
ગાળાગાળી કરી ધમકી આપી, પોલીસે હાથ ધરી તપાસ કોર્પોરેટરોએ તેમને શાંતિથી વાત કરવા વિનંતી કરી છતાં બંને શખ્સો વધુ ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલા કોર્પોરેટર સહિત સૌ સાથે ગાળાગાળી કરી ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરાઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી વેજલપુર પોલીસે કોર્પોરેટરની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

