Gujarat

જૂનાગઢમાં લોહાણા મહાજન અને જલારામ મંદિર વહીવટ અંગે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ સામે ગંભીર આક્ષેપો

જૂનાગઢમાં લોહાણા મહાજન અને જલારામ મંદિર નિર્માણ કાર્યને લઈને ભારે ઘમસાણ મચી ગયું છે. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ સામે સમાજના જ લોકોએ ખુલ્લેઆમ મોરચો માંડ્યો છે. મહેન્દ્ર મશરૂ સામે સખત વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે અને હવે જલારામ મંદિરમાં પ્રવેશ તથા તેના નવનિર્માણના કામને લઈને મોટો વિવાદ સર્જાયો છે. પૂર્વ ધારાસભ્ય અને મહાજનના હોદ્દેદાર મહેન્દ્રભાઈ મશરૂ સામે સમાજના જ વિવિધ આગેવાનો દ્વારા સંસ્થાના વહીવટ, સત્તામોહ, નાણાકીય પારદર્શિતા અને ધાર્મિક કાર્યક્રમોમાં વિઘ્ન ઊભા કરવા અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

જલારામ મંદિરનું નિર્માણ કાર્ય છેલ્લા 4 થી 5 વર્ષથી અટકેલું હોવાથી ભક્તોમાં ભારે રોષ છે. આક્ષેપ કરાપોનો દાવો છે કે ટ્રસ્ટી મંડળ નકશાના બહાને કામ લંબાવી રહ્યું છે, જ્યારે કરોડો રૂપિયાનું ભંડોળ હોવા છતાં નિર્માણ પૂર્ણ કરવામાં આવતું નથી. આથી ટ્રસ્ટ તાત્કાલિક નકશો જાહેર કરે અને કામ પૂર્ણ કરવાની ચોક્કસ ડેડલાઇન આપે તેવી માંગણી ઊઠી છે.

​નવનિર્માણ સમિતિના સભ્ય હિરેન તૈલીએ ટ્રસ્ટના વહીવટ પર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે 2005 પછી લોહાણા મહાજનના કોઈ પ્રમુખની ચેરિટી કમિશનરમાં નોંધણી થઈ નથી અને 2008 પછી કોઈ ઓડિટ રિપોર્ટ પણ રજૂ કરાયો નથી. હિસાબ-કિતાબમાં પારદર્શિતા ન હોવાથી સમાજનો વિશ્વાસ ડગી ગયો છે.

રામાયણનો સંદર્ભ આપતાં તેમણે ઉમેર્યું હતું કે રાજા દશરથે એક સફેદ વાળ આવતાં જ રામને ગાદી સોંપવાનો નિર્ણય લીધો હતો, જ્યારે મહેન્દ્રભાઈ મશરૂ ઉંમર વધવા છતાં સત્તા છોડવા તૈયાર નથી. જૂનાગઢની જનતાની જેમ સમાજ પણ ઝાકારો આપે તે પહેલાં તેમણે સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લેવી જોઈએ.