રાજકોટ શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો વધુ એક નકલી ડોક્ટર પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. શહેરના ગોંડલ રોડ પર આવેલા ‘શિવ ક્લિનિક’માં કોઈપણ જાતની તબીબી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 32 વર્ષીય ધવલ ચૌહાણ નામના શખ્સને માલવિયાનગર પોલીસે દરોડો પાડી પકડી પાડ્યો છે. આરોપી અગાઉ 15 વર્ષ સુધી અલગ-અલગ હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કર્યા બાદ પોતે જ ‘ડોક્ટર’ બનીને ક્લિનિક શરૂ કરી દીધું હોવાનો ખુલાસો થયો છે.
ગુપ્ત બાતમીના આધારે પોલીસે પાડી રેડ માલવિયાનગર પોલીસ મથકની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ગોંડલ રોડ પર આવેલી જય ખોડિયાર સોસાયટી મેઇન રોડ પર, PGVCL પાવર હાઉસ બાજુમાં ‘શિવ ક્લિનિક’ ખાતે એક શખ્સ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તા. 8 ઓગસ્ટના રોજ સાંજના સમયે ક્લિનિક પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ક્લિનિક ચલાવતા યુવકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ધવલ સુરેશભાઈ ચૌહાણ (ઉં.વ. 32) બતાવ્યું હતું.
પોલીસે ધવલ ચૌહાણ પાસે તબીબી પ્રેક્ટિસ કરવા માટેના જરૂરી મેડિકલ ડિગ્રી સર્ટિફિકેટ કે રજિસ્ટ્રેશન માગ્યા હતા. જોકે, તેની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે તેની ધરપકડ કરી ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ, તબીબી સાધનો અને ઇંજેક્શનો સહિત કુલ ₹16,484નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

