Gujarat

બાવળા હાઈવે પર આધાર કાર્ડ, પાસબુક મળ્યા

બાવળા હાઈવે પર રજોડા કેનાલ નજીકથી મોટી સંખ્યામાં મહત્વપૂર્ણ દસ્તાવેજો બિનવારસી હાલતમાં મળી આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળી આવેલા દસ્તાવેજોમાં મૂળ આધાર કાર્ડ, બેંક પાસબુક અને જિલ્લા કલેક્ટરની નોટિસો સહિતના અતિ સંવેદનશીલ કાગળોનો સમાવેશ થાય છે. રસ્તા કિનારે આવા દસ્તાવેજોનો જથ્થો ફેંકી દેવાયેલો જોવા મળ્યો હતો નાગરિકોની અંગત ઓળખ અને નાણાકીય માહિતી ધરાવતા દસ્તાવેજો આ રીતે જાહેરમાં મળી આવતા તંત્રની ગંભીર બેદરકારી સામે પ્રશ્નો ઊભા થયા છે. આટલા મોટા જથ્થામાં દસ્તાવેજો કોણે અને કયા હેતુથી ફેંક્યા તે અંગે રહસ્ય ઘેરાયું છે.

આ ઘટના પાછળ કોઈ સંસ્થા કે કર્મચારીની બેદરકારી છે કે પછી કોઈ મોટા કૌભાંડને છુપાવવાનો પ્રયાસ, તે દિશામાં સઘન તપાસ જરૂરી બની છે. સ્થાનિકોમાં આ બાબતે અનેક તર્ક-વિતર્કો અને આક્રોશ જોવા મળી રહ્યો છે.

સંવેદનશીલ દસ્તાવેજો બિનવારસી મળી આવતા તેનો દુરુપયોગ થવાની અને સાયબર ક્રાઈમ કે નાણાકીય છેતરપિંડીમાં ઉપયોગ થવાની પૂરેપૂરી શક્યતા છે.