Gujarat

મોરવા હડફના મેખર ગામે દોઢ વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મેખર ગામે રખડતા શ્વાનના આતંકની ગંભીર ઘટના સામે આવી છે. બંગલી ફળિયામાં પોતાના ઘર આંગણે રમી રહેલી માત્ર દોઢ વર્ષની માસૂમ બાળકી પર અચાનક રખડતા શ્વાને હુમલો કર્યો હતો. હુમલામાં બાળકીના મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

માતાએ દોડી આવી બાળકીને છોડાવી મેખર ગામના બંગલી ફળિયામાં રહેતા પંકજભાઈ બારીયાની દોઢ વર્ષની પુત્રી વિદ્યાબેન ઘર આંગણે રમી રહી હતી. તે દરમિયાન અચાનક એક રખડતો શ્વાન ત્યાં આવી પહોંચ્યો હતો અને માસૂમ બાળકી પર હુમલો કરી તેને પકડી લીધી હતી. બાળકીની ચીસો સાંભળીને તેની માતા તાત્કાલિક દોડી આવી હતી અને ભારે જહેમત બાદ બાળકીને શ્વાનના ચુંગાલમાંથી છોડાવી હતી.

શ્વાનના હુમલામાં બાળકીના મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. લોહીલુહાણ હાલતમાં બાળકીને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ બાદ આ ઘટનાને ‘કેટેગરી-3’ ડોગ બાઈટ ગણાવી હતી. બાળકીની ગંભીર ઈજાઓને પગલે તેની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.