વિશ્વ સિંહ દિવસ નિમિત્તે 10 ઓગસ્ટના રોજ માણાવદરની લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફગણે ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે માણાવદર શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી.

રેલી દરમિયાન વિદ્યાર્થીઓ સિંહ સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીના સંદેશા આપતા બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે જોડાયા હતા. તેમણે “સિંહ બચાવો, સિંહ બચાવો” અને “જંગલની શાન, સિંહ અમારું સ્વાભિમાન” જેવા નારા લગાવ્યા હતા, જેનાથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. આ સૂત્રોચ્ચારે સ્થાનિક નાગરિકોમાં સિંહ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ઊભી કરી હતી.

લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ દેવેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં એશિયાટીક સિંહોનું સંરક્ષણ સારી રીતે થઈ રહ્યું છે. સિંહો માત્ર જંગલ પૂરતા સીમિત ન રહેતા, માનવ વસાહતો સાથે પણ ઉત્તમ સહ-અસ્તિત્વ જાળવી રહ્યા છે.

