જામનગર સહિત હાલાર પંથકમાં ચાંદીપુરા રોગના લક્ષણો ધરાવતા બાળ દર્દીઓની સંખ્યા વધી રહી છે. ગઈકાલે મૃત્યુ પામેલા એક બાળ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. હાલમાં બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ધ્રોલ તાલુકાના રાજપરા ગામના એક બાળકને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે 7મી તારીખે જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
સારવાર દરમિયાન 10મી તારીખે તેનું મૃત્યુ થયું હતું. આજે આ બાળકનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો છે, જેના પગલે તંત્ર દ્વારા આનુસંગિક પગલાં લેવામાં આવી રહ્યા છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 12 બાળ દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી આઠ બાળકોના મૃત્યુ થયા છે અને બે દર્દીઓને રજા આપવામાં આવી છે. હાલમાં બે દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી એકનો રિપોર્ટ આવવાનો બાકી છે.

