Gujarat

સ્કોલરશીપ કાંડમાં દર્શન મેસવાણિયાના ચોંકાવનારા ખુલાસા

​જૂનાગઢમાં દિવ્ય ભાસ્કરના સ્ટીંગ ઓપરેશન બાદ સામે આવેલા બહુચર્ચિત એસસી-એસટી સ્કોલરશીપ અને બોગસ ડિગ્રી કૌભાંડમાં પોલીસ દ્વારા બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી મુખ્ય આરોપી દર્શન નટવરલાલ મેસવાણીયાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે રિમાન્ડ પુરા થતા તેને હાલ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

ત્યારે રિમાન્ડ દરમિયાન એસ.ઓ.જી અને બી-ડિવિઝન પોલીસ દ્વારા આરોપીના મોબાઈલમાંથી ચેટ, કોલ ડિટેલ્સ, CCTV ફૂટેજ, DVR તેમજ જપ્ત દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. આ કડક કાર્યવાહીને પગલે કૌભાંડમાં સંડોવાયેલા અન્ય તત્વો અને યુનિવર્સિટી-કોલેજોના વહીવટકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.

DySP હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, બી ડિવિઝન PI દ્વારા 5 ઓગસ્ટે દર્શન મેસવાણિયાને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીની કડક પૂછપરછમાં સામે આવ્યું કે તે ‘ગુજરાત એજ્યુકેશન’ નામની સંસ્થા મારફતે વિદ્યાર્થીઓને કોલેજ ગયા વગર માત્ર પરીક્ષા આપી ડિગ્રી મેળવી આપવાની લાલચ આપી ઓનલાઇન એડમિશન કરાવતો હતો.

તપાસ દરમિયાન પોલીસે તેની ઓફિસેથી 400થી વધુ વિદ્યાર્થીઓના ઓરીજનલ ડોક્યુમેન્ટ, 150થી વધુ ફીનો પેમેન્ટ બેંકની કિટ અને 115 VIP સિમકાર્ડ કબ્જે કર્યા છે, જેનો તે અલગ અલગ લેપટોપ અને કોમ્પ્યુટરમાં ઉપયોગ કરતો હતો. ફીનો પેમેન્ટ બેંકનું સેન્ટર ધરાવતા દર્શનને બેંક દ્વારા એકાઉન્ટ દીઠ ₹50 મળતા હતા. ત્યારે ફીનો બેંક એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવશે.