જૂનાગઢના કેશોદ તાલુકામાં એક દુઃખદ અને ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. કેશોદ નજીક મઘરવાડા ફાટક પાસે હાઈવે પર એમ્બ્યુલન્સ અને પેસેન્જર રિક્ષા વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં એક વૃદ્ધ રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોક છે.
રિક્ષા અને એમ્બ્યુલન્સ વચ્ચે ટક્કર કેશોદથી લુશાળા ગામ તરફ જઈ રહેલી રિક્ષા જ્યારે મઘરવાડા પાટીયા નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક એક પૂરપાટ ઝડપે એમ્બ્યુલન્સ સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં રિક્ષા ચાલક 70 વર્ષીય કિશોરભાઈ મોરારજીભાઈ ભટ્ટને ગંભીર ઈજા પહોંચતા તેમનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ 108ને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

