ઈન્સ્ટાગ્રામ પર ફેક કંપનીની જાહેરાત જોઈને ઓનલાઈન બિઝનેસ અને રોકાણ કરવાની લાલચમાં આવી જતાં એક ફરિયાદીએ ₹2.53 કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે. ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે આ કેસમાં ટેકનિકલ એનાલિસિસના આધારે અમરેલીના સાવરકુંડલામાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે.
કસ્ટમર સર્વિસના નામે 60% રકમ જમા કરાવી તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ ઈન્સ્ટાગ્રામ પર https://shopmyerin.com નામની નકલી વેબસાઈટની જાહેરાત આપી ફરિયાદીનું રજિસ્ટ્રેશન કરાવી તેને ડિસ્ટ્રીબ્યુટર બનાવ્યો હતો. ત્યારબાદ કપડાં, ફર્નિચર અને ઈલેક્ટ્રોનિક્સ જેવી વસ્તુઓના પ્રોડક્ટ એડ કરાવી, કસ્ટમર સર્વિસના નામે 60% રકમ અલગ-અલગ બેંક ખાતામાં જમા કરાવી હતી.
ફરિયાદીને વોલેટમાં ડોલરમાં 20% નફો દેખાડીને વધુ રકમ રોકવા પ્રેરિત કરાયા હતા. જ્યારે ફરિયાદીએ પોતાના નાણાં પરત માંગ્યા ત્યારે ક્રેડિટ સ્કોર રિપેર કરવા, એકાઉન્ટ અનફ્રીઝ કરવા અને શોપિંગ સ્ટોર બંધ કરવાના બહાને કુલ ₹2,53,91,066 પડાવી લેવાયા હતા.
ઝડપાયેલા આરોપીઓ
- કિશન મનુભાઈ સાવલિયા (ઉં.વ. 30, સાવરકુંડલા, અમરેલી)
- હાજાભાઈ ભીખાભાઈ રાઠોડ (ઉં.વ. 32, સાવરકુંડલા, અમરેલી)

