તાપી જિલ્લાના વ્યારા શહેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે 1151 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજ સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પોલીસ જવાનો, શાળાના બાળકો, શિક્ષકો, નગરજનો, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
વ્યારાના રિવરફ્રન્ટથી શરૂ થયેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. દેશભક્તિના નારાઓ અને વાતાવરણમાં ગુંજતા જયઘોષથી સમગ્ર વ્યારા નગર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ અનોખી યાત્રાએ શહેરમાં આકર્ષણ જમાવ્યું હતું.

આ તિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી નરેશ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રી જયરામ ગામીત, ધારાસભ્ય કુંવરજી હળપતિ અને મોહન કોકની સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો.
યાત્રા દરમિયાન પોલીસ પ્લાટૂન, પોલીસ અશ્વ રેલી, બાઇક રેલી, વેશભૂષા સ્પર્ધા અને સ્વચ્છતા અભિયાન જેવા વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. આ કાર્યક્રમોએ સ્વતંત્રતા પર્વની ઉજવણીને વધુ ભવ્ય અને યાદગાર બનાવી હતી.

