Gujarat

સગીરાના 29 સપ્તાહના ગર્ભપાતનો હાઈકોર્ટનો ઈનકાર, મેડિકલ રિપોર્ટ પ્રતિકૂળ

ગુજરાત હાઈકોર્ટમાં ખેડાથી એક દુષ્કર્મ પીડિતા સગીરાના 29 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી આવી હતી. આ અરજી હાઇકોર્ટે નકારી નાખી છે. હાઈકોર્ટે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. જેનો રિપોર્ટ ગર્ભપાત માટે નકારાત્મક આવ્યો છે. એટલે પ્રસૂતિ બાદ બાળકને પીડિતાની ઈચ્છા પ્રમાણે એડોપ્શન એજન્સીને સોંપવામાં આવશે.

મેડિકલ રિપોર્ટના આધારે ગર્ભપાતની ભલામણ ન કરાઈ તબીબી સમિતિના રીપોર્ટ મુજબ ભ્રૂણ અને માતાની તંદુરસ્તી સંબંધિત જટિલતાઓને ધ્યાનમાં રાખીને ગર્ભપાતની ભલામણ કરવામાં આવી ન હતી. તેથી હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપવાનો ઈનકાર કર્યો છે. હાઈકોર્ટે નિર્દેશ આપતા હુકમમાં નોંધ્યું છે કે, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડાકોરના રેડિયોલોજી વિભાગના મેડિકલ ઓફિસર, પીડિતાની પ્રસૂતિ થાય ત્યાં સુધી તેના સ્વાસ્થ્યની યોગ્ય કાળજી અને ફોલો અપ લેશે.

પ્રસૂતિ બાદ પીડિતા, બાળકની સમયાંતરે તબીબી તપાસ થશે નવજાત શિશુના સારા વિકાસ અને સ્વાસ્થ્ય માટે નિયોનેટલ કેર સહિતની તમામ ખાસ સારવાર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. પ્રસૂતિ બાદ પીડિતા અને નવજાત બાળકની સમયાંતરે તબીબી તપાસ હાથ ધરવામાં આવશે. પીડિતાની ઈચ્છા અને નવજાત બાળકની શારીરિક સ્થિતિની તપાસ કર્યાં પછી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની દેખરેખ હેઠળ બાળકને સ્પેશિયલાઇઝ્ડ એડોપ્શન એજન્સી, ખેડાને સોંપવામાં આવશે.