રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આજરોજ સવારે 09:00 કલાકે બહુમાળી ભવન ચોક ખાતે “તિરંગા યાત્રા 2026”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા બહુમાળી ભવન ચોકથી પ્રસ્થાન કરી જ્યુબિલી ગાર્ડન ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી યોજાઈ હતી. જેમાં 20000થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા હતા. જોકે, આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના એક પણ મંત્રી કે પ્રભારી મંત્રી જીતુ વાઘાણી હાજર નહીં રહેતા રાજકોટની નેતાગીરી સામે સવાલો ઊભા થયા હતા. જોકે પ્રદેશ કક્ષાના કોઈ નેતાઓનાં આવવાનું આયોજન પહેલાથી હતું જ નહીં.

આજની આ તિરંગા યાત્રાના મંચ પર નેતાઓને બદલે અધિકારીઓનો દબદબો જોવા મળ્યો હતો. પ્રથમ હરોળમાં રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય, પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, JCP ચૈતન્ય માંડલિક, કલેક્ટર ઓમ પ્રકાશ, મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્તપલ જોશી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ ભરત બોધરાની પણ ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. રાજકીય અગ્રણીઓમાં માત્ર પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, ભાનુબેન બાબરીયા, ગોવિંદ પટેલ અને રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા જ હાજર રહ્યા હતા. તેમજ પાંચ પૂર્વ મેયર એકસાથે બેઠેલા જોવા મળ્યા હતા. આ તકે સ્ટેજ પરથી મેયર ડો. નેહલ શુકલે લોકોને પોતાનો કચરો આડેધડ નહીં ફેકવાનાં શપથ લેવડાવ્યા હતા.
મંત્રીઓની ગેરહાજરી અંગે સ્પષ્ટતા આપતા મેયર ડો. નેહલ શુક્લે જણાવ્યું હતું કે, પ્રદેશ કક્ષાના નેતાઓનું આવવાનું કોઈ આયોજન પહેલેથી હતું જ નહીં, કારણ કે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી યાત્રાઓ ચાલતી હોવાથી બધા પોતાના વિસ્તારમાં વ્યસ્ત છે. કન્ટ્રીબ્યુશન અને આમંત્રણ પત્રિકામાં માત્ર પરંપરા મુજબ પ્રભારી મંત્રી જીતુ વાઘાણીનું નામ રાખવામાં આવ્યું હતું, પરંતુ સમયના અભાવે તેઓ આવી શકે તેમ ન હોવાની વાત પહેલેથી જ સ્પષ્ટ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાકલ બાદ સતત 5મા વર્ષે કોર્પોરેશન દ્વારા આયોજન કરાયું હતું.

વધુમાં તેમણે જણાવ્યું કે, આ તિરંગા યાત્રામાં શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, NCC કેડેટ્સ, NSSના વિદ્યાર્થીઓ, યુવાનો અને સામાજિક સંસ્થાઓ જોડાતાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. 1 કિલોમીટરના રૂટ પર 9 જેટલા વિશેષ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા હતા, તિરંગા યાત્રામાં કલાકારો દ્વારા ગુજરાતની લોકસંસ્કૃતિ, ક્લાસિકલ નૃત્ય, ગણેશ વંદના, મિશ્ર રાસ, હુડો રાસ, ડાંગી નૃત્ય, કઠપૂતળી અને રાજસ્થાની નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષામાં સજ્જ પાત્રો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. યાત્રા દરમિયાન ઝીણો કચરો પણ થાય નહીં તે પ્રકારનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.

