ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશની સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે શહેરમાં તિરંગા યાત્રા સહિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આ ઉજવણીના ભાગરૂપે જામનગરની ઐતિહાસિક ધરોહરોને પણ તિરંગાના રંગે શણગારવામાં આવી છે. શહેરનો ઐતિહાસિક ભૂજિયો કોઠો, જેનું તાજેતરમાં રેસ્ટોરેશન કાર્ય પૂર્ણ થયા બાદ લોકો માટે ખુલ્લો મુકાયો છે, તેને જામનગર મહાનગરપાલિકા દ્વારા તિરંગાની થીમ પર રોશનીથી સજાવવામાં આવ્યો છે.
રાત્રિના સમયે તિરંગા રંગની રોશનીથી ભૂજિયો કોઠો ઝળહળી ઉઠ્યો હતો. કેસરી, સફેદ અને લીલા રંગની લાઇટોથી સજ્જ આ ઐતિહાસિક કોઠો દૂરથી પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.

આ ઉપરાંત, જામનગરના ઐતિહાસિક રણમલ તળાવને પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગાની થીમ પર રોશનીથી શણગારવામાં આવ્યું છે. તળાવની ફરતે ગોઠવવામાં આવેલી રંગબેરંગી લાઇટો વચ્ચે તિરંગા રંગની રોશનીથી સમગ્ર રણમલ તળાવ પરિસરનો નજારો મનમોહક બની ગયો હતો.
ખાસ કરીને, તિરંગા રોશનીનો પ્રકાશ જ્યારે રણમલ તળાવની જળરાશિ પર પડતો હતો, ત્યારે પાણીમાં કેસરી, સફેદ અને લીલા રંગનું સુંદર પ્રતિબિંબ જોવા મળતું હતું. તિરંગાના રંગોથી ઝળહળતું તળાવ અને તેની પૃષ્ઠભૂમિમાં ઐતિહાસિક ધરોહરોનો આ નજારો શહેરવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અનેક શહેરીજનોએ આ સુંદર દ્રશ્યોને પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કર્યા હતા.

