જૂનાગઢ શહેરના B-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ઝાંઝરડા રોડ પર ગોકુલેશ ગૌશાળા નજીક તાજેતરમાં એક મોટું જુગારધામ ઝડપાયું હતું. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી તીન પત્તીનો જુગાર રમતી છ મહિલાઓ રીતુબેન મહેશભાઇ પરમાર, દેવીબેન રાહુલભાઇ હરણ, રસીલાબેન હરસુખભાઇ દેપાણી, ફોરમબેન રાજેશભાઇ મોરડીયા, અન્સુયાબેન પ્રકાશભાઇ ભલાણી અને અનીતાબેન મનીષભાઇ ગોસાઇને રોકડ રકમ 16,210 તથા ગંજીપત્તા અને પાથરણા સહિતના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડી હતી.
દરોડાની આ કામગીરી બાદ કેસમાં પકડાયેલી એક આરોપી મહિલાનું નામ કેસમાંથી કાઢી નાખવા માટે બી-ડિવિઝન ડી-સ્ટાફના કર્મચારીઓ દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ ગેરરીતિ ધ્યાને આવતાં જ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સુબોધ ઓડેદરાએ આકરું વલણ અપનાવ્યું હતું. તેમણે શિસ્તભંગ અને ગંભીર લાપરવાહી દાખવવા બદલ ડી-સ્ટાફના ૫ પોલીસ કર્મચારીઓની એક જ દિવસમાં જિલ્લાના દૂરના વિસ્તારોમાં આંતરિક બદલી કરી દીધી છે.

